અત્યાર સુધી હોટેલનું બિલ ન ચુકવનાર પાસે વાસણ ધોવડાવીને પૈસા વસુલ કરવાની કે રસ્તા પરના ઢાબા પર આવી નાદારી કરનારને ધોલધપાટના બનાવોની વાતો સાંભળી-જાણી હતી. પરંતુવીયેટનામમાં શરીર પર ટેટુ ચીતરાવ્યા બાદ એના પૈસા ન ચુકવનારા માણસને આખી જીંદગી યાદ રહે એવો પાઠ ભણાવવામાં આવ્યો હતો. એ માણસનું શર્ટ ઉતારીને આખેઆખો પ્લાસ્ટીક ફોઇલમાં લપેટીને ઝાડ સાથે બાંધી દીધો હતો.
ભરશિયાળામાં વીયેટનામમાં 10 ડીગ્રી સેલ્સિયસ કરતા ઓછા ઉષ્ણતામાનમાં લગભગ ઠુંઠવાઇ ગયેલો એ માણસ જીંદગીભરની ખો ભુલી ગયો હતો. તેની એ દુર્દશાની તસવીરો સોશ્યલ મીડીયા પર ચર્ચાનો વિષય બની છે. માથે હેલ્મેટ પહેરીને ઝાડ સાથે બંધાયેલા એ માણસની સ્થિતિની દયા ખાતી અને ઠેકડી ઉડાડતી કમેન્ટસ સોશ્યલ મીડીયા પર ખુબ કરવામાં આવી છે. ટેટુ આર્ટીસ્ટ દુકાનદારે કહયુ કે તે જુવાનીયો કામ કરાવી લીધા પછી થોડા પૈસા આપીને રફુચકકર થઇ ગયો હતો. જોકે અમારા માણસોએ તેને શોધી કાઢીને પાઠ ભણાવ્યો હતો.