(મિલાપ રૂપારેલ)
અમરેલી તા.13
સાવરકુંડલામાં રહેતી પરિણીતા ઉપર વિધિ કરવાના બ્હાના તળે ઢોંગી ગુરૂએ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. સાવરકુંડલા ગામે હાથસણી રોડ ઉપર રહેતી એક પરિણીત મહિલાએ જેમને ગુરૂ માન્યા હતા તે કેશવદાસ નાનકદાસ પરમાર નામના શખ્સે ગત તા.3/10ના રોજ તેણીને સંતાનમાં પુત્ર પ્રાપ્તિ થાય તે માટે વિધિ કરવાના બહાને તેણીના શરીરને અડપલા કરી ધોલ-થપાડ મારી બળજબરી કરી તેણીના પગે બટકુ ભરી તેણી સાથે તેણીની ઈચ્છા વિરૂઘ્ધ બે વખત શરીર સંબંધ બાંધી તેણીની બન્ને દીકરીઓને મારી નાખવાની ધમકી આપ્યાની ભોગ બનનાર મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
યાર્ડમાં ચોરી
બાબરા ગામે આવેલ માર્કેટ યાર્ડમાંથી કોઈ અજાણ્યા બે ઈસમો હરરાજી દરમિયાન વિણાટ થયેલી મગફળીની ગુણી નંગ-12 કિંમત રૂા. 15,600ની કોઈ બે અજાણ્યા ઈસમો કારમાં નાખી ચોરી કરી લઈ ગયાની ફરિયાદ કર્મચારી પ્રતાપભાઈ લાભુદાસભાઈ દેવમુરારીએ બાબરા પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડૂતનું મોત
બાબરા તાલુકાના થોરખાણ ગામે રહેતા જગદીશભાઈવિઠ્ઠલભાઈ અકબરી નામના 38 વર્ષીય ખેડૂત સોમવારે ગામની સીમમાં આવેલ પોતાના ખેતરે પાણી વાળવા ગયા હતા. ત્યાંથી સાંજે ઘરે નહીં આવતા તેમના ખેતરમાં તપાસ કરતાં તે બેભાન હાલતમાં ત્યાં સૂતેલ હાલતમાં હોય, જેથી બાબરા દવાખાને લાવતા તેમનું મૃત્યુ થયાનું બાબરા પોલીસમાં જાહેર થવા પામેલ છે.