બ્રિસ્બેનમાં ટીમ ઈન્ડિયાની ‘કઠણાઈ’ શરૂ: રૂમમાં ટોયલેટ સાફ કરતાં ખેલાડીઓ !

13 January 2021 11:09 AM
Sports
  • બ્રિસ્બેનમાં ટીમ ઈન્ડિયાની ‘કઠણાઈ’ શરૂ: રૂમમાં ટોયલેટ સાફ કરતાં ખેલાડીઓ !

દરેક ખેલાડીએ પોતાના રૂમમાં ગાદલું પાથરવું પડે છે તો ટોયલેટની સાફસફાઈ પણ જાતે જ કરવી પડતી હોવાની ફરિયાદ: ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન અધિકારીઓનો સંપર્ક સાધતાં ‘બધું ઠીક થઈ જશે’નું આશ્વાસન

બ્રિસ્બેન, તા.13
મેજબાન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેન પહોંચી ચૂકી છે. અજિંક્ય રહાણેની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાની કોશિશ ચોથો ટેસ્ટ જીતીને શ્રેણી પર કબજો કરવાની રહેશે. અત્યારે શ્રેણીમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર છે. ભારત ત્રીજો ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળ રહ્યું હતું. ટીમ ગઈકાલે બપોરે જ બ્રિસ્બેન પહોંચી ગઈ હતી. ટીમ ગાબાથી અંદાજે ચાર કિલોમીટર દૂર એક ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાઈ છે પરંતુ ખેલાડીઓને તેની મુળભુત સુવિધાઓ નહીં મળતી હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે.


અહેવાલ અનુસાર ટીમ ઈન્ડિયાની સાથે યાત્રા કરનારા એક સભ્યએ કહ્યું કે અમે રૂમમાં બંધ થઈ ગયા છીએ. અમારે અમારી પથારી જાતે જ પાથરવાની રહે છે અને અમારું ટોયલેટ અમારે જ સાફ કરવું પડી રહ્યું છે. ભોજન પણ હોટેલની નજીક આવેલા ભારતીય રેસ્ટોરન્ટમાંથી આવી રહ્યું છે. અમે ફ્લોર પર આમ-તેમ પણ ફરી શકતાં નથી. અત્યારે આખી હોટેલ ખાલી છે આમ છતાં સ્વિમિંગ પુલ, જીમ સહિત હોટેલની કોઈ પણ સુવિધાનો ઉપયોગ કરી શકતા નથી. હોટેલના તમામ કાફે અને રેસ્ટોરન્ટ પણ બંધ છે.


સૂત્રએ કહ્યું કે સુવિધાને લઈને કરવામાં આવેલા વાયદાઓનું શું થયું ? પ્રવાસ પહેલાં અમને ઘણું બધું કહેવામાં આવ્યું હતું. કહેવાયું હતું કે એક વખત અનિવાર્ય ક્વોરેન્ટાઈન પૂર્ણ કરી લેવામાં આવશે તો ખેલાડીઓ માટે તમામ વસ્તુ સરળ બની જશે. જરૂરી સુવિધાઓ વગેરે આપવામાં આવશે પરંતુ હવે અમારે ખુદ પથારી પાથરવી પડી રહી છે અને ટોયલેટ પણ સાફ કરવું પડી રહ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમ ભારત આવે છે તો શું બીસીસીઆઈ પણ તેની સાથે આવો જ વ્યવહાર કરે છે ? ટીમે જ્યારે હોટેલ મેનેજરને ફરિયાદ કરી તો તેણે હાથ ઉંચા કરતાં કહી દીધું હતું કે બન્ને ટીમ માટે સમાન નિયમો છે, માત્ર એક જ ટીમ માટે ક્વોરેન્ટાઈન કડક નથી.


આ અહેવાલો બહાર આવતાં જ ક્રિકેટ બોર્ડે દખલ કરીને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સંપર્ક સાધ્યો હતો. પ્રમુખ સૌરવ ગાંગૂલી, સચિવ જય શાહ અને સીઈઓ હેમાંગ અમીને ફરિયાદો મળ્યા બાદ અધિકારીઓનો સંપર્ક સાધતાં તેમને આશ્ર્વાસન અપાયું છે કે ભારતીય ટીમને બ્રિસ્બેનમાં કોઈ જ તકલીફ પડશે નહીં.ઉલ્લેખનીય છે કે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથો ટેસ્ટ 15 જાન્યુઆરી મતલબ કે શુક્રવારથી બ્રિસ્બેનમાં શરૂ થશે. ત્યાં કોરોના મહામારીના વધતાં કેસ અને ન્યુ સાઉથ વેલ્સ સાથે સીમા પર લોકડાઉન હોવાને કારણે હોટેલમાં ક્વોરેન્ટાઈનના નિયમ અત્યંત કડક છે.


Related News

Loading...
Advertisement