રણજી ટ્રોફી ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના: 17મીએ બેઠક

13 January 2021 11:07 AM
Sports
  • રણજી ટ્રોફી ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના: 17મીએ બેઠક

લીગ મેચ આઈપીએલ પહેલાં અને નોકઆઉટ રાઉન્ડ પછી રમાડવામાં આવી શકે: બેઠકમાં વિવિધ સાત મુદ્દે કરાશે ચર્ચા-વિચારણા

નવીદિલ્હી, તા.13
કોરોનાને કારણે ક્રિકેટ પર લાગેલી બ્રેક હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે. ઈન્ડિયન પ્રિમીયર લીગથીભારતીય ક્રિકેટની શરૂઆત ફરીથી થઈ ચૂકી છે. નવા વર્ષે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઘરેલું ટી-20 લીગ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું આયોજન કરાયું છે. બીસીસીઆઈના ટોચના અધિકારીઓની 17 જાન્યુઆરીએ એક ઓનલાઈન બેઠક મળશે જેમાં મુશ્તાક અલી ટ્રોફી માટે તૈયાર કરાયેલા બાયો-બબલમાં આવતાં મહિનાથી રણજી ટ્રોફીના આયોજન માટે નિર્ણય લેવામાં આવશે.


બેઠકના એજન્ડામાં સાત વિષય સામેલ છે જેમાં ટોચનો મુદ્દો ઘરેલું ક્રિકેટ છે. આ એજન્ડાના અન્ય મુદ્દાઓમાં જુનિયર અને મહિલા ક્રિકેટ પણ સામેલ છે. સૂત્રએ કહ્યું કે ફેબ્રુઆરીથી રણજી ટ્રોફી શરૂ થવાની સંભાવના 90 ટકા છે. આ માટે પાંચ ગ્રુપમાં છ-છ ટીમો જ્યારે એક ગ્રુપમાં આઠ ટીમ હશે. રણજી ટ્રોફીના લીગ મેચ આઈપીએલ પહેલાં અને નોકઆઉટ બાદમાં આયોજિત કરવામાં આવીશકે છે જેથી ટીમોને પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની ખોટ ન પડે. મહિલાઓની રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ અને અન્ય એઈઝ ગ્રુપની ટૂર્નામેન્ટ પણ રમાડવામાં આવશે.


બેઠકમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના કર સંબંધિત મુદ્દે પણ ચર્ચા થશે. આ ઉપરાંત બેંગ્લોરમાં નિર્માણાધીન નવી રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી સાથે જોડાયેલા મામલાઓ અંગે પણ ગહન વિચાર-વિમર્શ કરાશે. જ્યારે ઘરેલું ક્રિકેટ 2020-21ના સત્રનો મુદ્દો પણ અગ્રસ્થાને રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના 2023થી 2031 સુધીના ભવિષ્યના પ્રવાસ કાર્યક્રમ (એફટીપી) અંગે પણ ચર્ચા કરાશે.આવતાં વર્ષે આઈપીએલ 10 ટીમની હશે અને બીસીસીઆઈ આ માટે વધુ સમયની માંગ કરી શકે છે. બિહાર ક્રિકેટ એસો.માં ચાલી રહેલા વિવાદો અંગે પણ ચર્ચા થશે જ્યાં તાજેતરમાંજ મુશ્તાક અલી ટ્રોફી માટે બે ટીમ જાહેર કરવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement