વિંછીયા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

13 January 2021 09:52 AM
Jasdan
  • વિંછીયા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે શુભારંભ : 11 ગામોને લાભ મળશે

(ધર્મેશ કલ્યાણી)
જસદણ, તા. 13
ખેડૂતોને દિવસ દરમ્યાન પણ વીજળી પૂરી પાડવાના માટે રાજ્યભરમાં લાગુ કરાયેલી "કિશાન સૂર્યોદય યોજના"નો વિછીયા તાલુકાના મોઢુકા ગામેથી પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ શુભારંભ કરી જણાવ્યું હતું કે ગામડાઓમાં પણ વિકાસ અને રોજગારીનું સર્જન કરવામાં આવી યોજના નિર્ણાયક પુરવાર થશે. મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ રાજ્યના ખેડૂતોની અસુવિધાને દૂર કરવા માટે રાજ્ય સરકારે આદરેલા પ્રયત્નોનો ટૂંકો ચિતાર આપતા જણાવ્યું હતું કે રૂપિયા 3500 કરોડની ફાળવણી કરીને આ યોજના મારફતે રાજ્ય સરકાર રાજ્યના ગામડાઓમાં સતત આઠ કલાક ગુણવત્તાયુક્ત વીજપુરવઠો પુરો પાડશે. આ યોજના માટે જરૂરી વીજ પુરવઠાની ઉપલબ્ધિનો પણ મંત્રીશ્રીએ આછેરો અંદાજ રજૂ કર્યો હતો. અને તબક્કાવાર આંતર માળખાકીય સુવિધાઓ ઊભી કરીને રાજ્યના ખેડૂતો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. અને ઉમેર્યું હતું કે આજથી જ વિછીયા તાલુકાના 11 ગામોને દિવસ દરમિયાન સતત આઠ કલાક વીજળી મળી શકશે


સંસદસભ્ય મોહનભાઈ કુંડારિયાએ આ યોજનાના અમલીકરણ અંગેની પૂર્વ ભૂમિકા રજૂ કરી હતી. આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘કિસાન સૂર્યોદય યોજના’ની માહિતી આપતી ડોક્યુમેન્ટ્રીનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. મંત્રી બાવળીયાએ ‘કિસાન સૂર્યોદય યોજના’નું ડિજિટલ ઈ તકતીનુ અનાવરણ કર્યું હતું. જેટકોના કાર્યપાલક ઇજનેર એ.આર.પીપરીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં ‘કિસાન સૂર્યોદય યોજના’ની ટુંકી વિગતો રજૂ કરી હતી.જીલ્લા પંચાયત સદસ્ય કાળુભાઈ તળાવીયા, તાલુકા પંચાયતના સદસ્ય નારણભાઈ તાવિયા, સરપંચ વાલજીભાઈ મેર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ખોડાભાઈ ખસીયા, અશ્વિનભાઈ સાંકળિયા, અંજનભાઈ ધોળકિયા, જસદણ તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઈ રામાણી, જેઠાભાઈ ચાવડા, નાથાભાઈ વાછાણી, અધિક્ષક ઇજનેર આર.ડી. વાળા અને બી.પી.જોષી, કાર્યપાલક ઇજનેર એસ.જી દત્તાણી તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement