મેસેજ-કોલ્સ સુરક્ષિત જ રહેશે: નવી પ્રાઈવેટ પોલીસી પર ઉહાપોહ થતા વોટસએપની ચોખવટ

12 January 2021 06:11 PM
Technology Top News
  • મેસેજ-કોલ્સ સુરક્ષિત જ રહેશે: નવી પ્રાઈવેટ પોલીસી પર ઉહાપોહ થતા વોટસએપની ચોખવટ

મુંબઈ તા.12
ઈન્સ્ટંટ મેસેજીંગ એપ વોટસએપ દ્વારા નવી પ્રાઈવેટ પોલીસીની જાહેરાત થતાની સાથે જ હોબાળો મચ્યો છે. ગ્રાહકોના મેસેજ તથા કોલ ખાનગી નહીં રહેવાની આશંકાને પગલે વોટસએપ બચાવની સ્થિતિમાં આવી ગયુ છે અને એવી ચોખવટ કરી છે કે મેસેજ તથા કોલ સુરક્ષિત જ રહેવાના છે.


વોટસએપની નવી પ્રાઈવેટ પોલીસીના ગભરાટને કારણે મોટી સંખ્યામાં યુઝર્સ ટેલીગ્રામ તથા સિગ્નલ જેવી એપમાં એકાઉન્ટ બનાવી રહ્યા છે તેવા સમયે વોટસએપ દ્વારા સતાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે. પ્રાઈવેટ મેસેજ તથા કોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની બાંહેધરી આપી છે. યુઝર્સની શંકા દુર કરવા માટે સાત મુદા દર્શાવ્યા છે.


કંપનીએ કહ્યું કે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન મારફત યુઝર્સના ખાનગી મેસેજ સંપૂર્ણ સુરક્ષિત રહેશે. કંપની યુઝર્સના પ્રાઈવેટ મેસેજ જોઈ નથી શકતી કે કોલ્સ સાંભળી શકતી નથી.કયા યુઝર્સે કોને ફોન કે મેસેજ કર્યો તેનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી. લોકેશન પણ કંપની જોઈ શકતી નથી. યુઝર્સના કોન્ટેકટ પણ ફેસબુકને આપવામાં આવતા નથી. વોટસએપ ગ્રુપ ખાનગી અને સુરક્ષિત જ બની રહેશે. મેસેજ ગાયબ કરવાની પ્રક્રિયા યુઝર્સ જ કરી શકશે.


અત્રે ઉલ્લેખનીય છે કે વોટસએપે 8 ફેબ્રુઆરીથી નવી પ્રાઈવેટ પોલીસી લાગુ કરવાની જાહેરાત કરી હતી. વોટસએપ યુઝર્સના ડેટા કેવી રીતે પ્રોસેસ કરે છે અને શેર કરે છે તેની વિગતો આપી હતી. વોટસએપ ચાલુ રાખવા નવી પોલીસી માટે સહમતી આપવા સૂચવ્યું હતું. જેને પગલે દુનિયાભરના વોટસએપ યુઝર્સમાં કોલ-મેસેજ ખાનગી રહી શકવા મુદે આશંકા સાથે ઉહાપોહ શરુ થયો હતો..


Related News

Loading...
Advertisement