‘ઘાયલ-10’: ટીમ ઈન્ડિયામાં સાજા ઓછા, ઈજાગ્રસ્ત ખેલાડીઓ વધુ

12 January 2021 05:14 PM
Sports
  • ‘ઘાયલ-10’: ટીમ ઈન્ડિયામાં સાજા ઓછા, ઈજાગ્રસ્ત ખેલાડીઓ વધુ

ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં આટલી સંખ્યામાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હોય તેવો પ્રથમ દાખલો:અત્યારે ભારતીય ટીમ પાસે રોહિત ગીલ, ચેતેશ્વર રહાણે સીરાજ શાહા પૃથ્વી મયંક સૈની, ઠાકુરના રૂપમાં 10 ખેલાડીઓ જ ફીટ તેમાંથી પણ શાહા અને પૃથ્વીની ફિટનેસ પર પ્રશ્નાર્થ:નેટબોલર તરીકે ગયેલા વોશિંગ્ટન સુંદર અને ટી.નટરાજનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળે તેવી સંભાવના:વિરાટ કોહલીની ગેરહાજરી પણ ટીમ ઈન્ડિયાને કાંટા ની જેમ ખૂંચશે:ભુવનેશ્વર -ઈશાંત ઓસ્ટ્રેલિયન પ્રવાસ પહેલાં જ ઈજા પામતાં ટીમનો સાથ ન આપી શક્યા, હવે મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર.અશ્વિન, હનુમા વિહારી અને બુમરાહ અનફિટ થતાં બ્રિસ્બેન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા રમશે બમણા પ્રેશરથી

રાજકોટ, તા.12
આઈપીએલ-13 રમીને સીધા ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે, ટી-20 અને ટેસ્ટ શ્રેણી રમવા માટે ગયેલી ટીમ ઈન્ડિયા છેલ્લા 47 દિવસથી ઓસ્ટ્રેલિયામાં મુકામ કરી રહી છે. વન-ડે, ટી-20 અને ત્રણ ટેસ્ટ મેચ રમ્યાને 34 દિવસ પૂર્ણ થયા છે ત્યાં જ ટીમ ઈન્ડિયાના 10-10 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ જવાને કારણે ભારતની આગામી શ્રેણીને લઈને ક્રિકેટ બોર્ડની ચિંતાઓ વધી જવા પામી છે. ઓસ્ટ્રેલિયા જેવી મહાકાય ટીમ સામે ટકરાયા બાદ હવે ભારતીય ટીમે ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમ સાથે ટેસ્ટ, વન-ડે અને ટી-20ની લાંબીલચક શ્રેણી રમવાની હોવાથી ઘાયલ થયેલા ખેલાડીઓ ફિટ થશે કે કેમ તેની ચિંતા અત્યારથી જ ટીમ મેનેજમેન્ટ અને ક્રિકેટ બોર્ડને સતાવવા લાગી છે. માહોલ એવો છે કે ટીમ ઈન્ડિયામાં અત્યારે સાજા ઓછા અને ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા વધી જવા પામી છે ! આ બધાની વચ્ચે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી પણ બ્રિસ્બેન ટેસ્ટમાં ‘કાંટા’ની જેમ ખૂંચશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.


ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરૂ થાય તે પહેલાં જ આઈપીએલ-13 દરમિયાન ફાસ્ટ બોલર ભુવનેશ્વર  કુમાર અને ઈશાંત શર્મા પોતપોતાની ટીમ તરફથી રમ્યા હતા. જો કે મેચ દરમિયાન તેમને ઈજા થઈ જતાં તેમની ટીમ ઈન્ડિયામાં પસંદગી કરાઈ નહોતી. આ બન્ને ભારતના ચાવીરૂપ ખેલાડીઓ હોવાથી તેમનું ટીમ સાથે ન હોવું એક મોટું નુકસાન ગુણાયું હતું. જો કે આ બન્ને વગર ગયેલી ટીમ ઈન્ડિયાએ વન-ડે શ્રેણી ગુમાવ્યા બાદ જે રીતે ટી-20માં કમબેક કર્યું હતું તેને જોતાં સ્પષ્ટપણે લાગી રહ્યું હતું કે આ વર્ષની જેમ જ ટીમ ઈન્ડિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ફરી ભારતમાં લાવશે. એડિલેડમાં પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા ભુંડે હાલ પરાજિત થયા બાદ મેલબર્ન ટેસ્ટમાં ઘાયલ સિંહની માફક વાર કરીને મેચ જીતી લીધો હતો અને સિડની ટેસ્ટ રીતસરનો ઓસ્ટ્રેલિયાના મોઢામાંથી છીનવીને ડ્રોમાં લઈ ગયા હતા.


ટીમ ઈન્ડિયાની મુશ્કેલી એડિલેડ ટેસ્ટથી જ શરૂ થઈ જવા પામી હતી કેમ કે ડે-નાઈટ ટેસ્ટની બીજી ઈનિંગમાં મોહમ્મદ શામીને બોલ વાગી જતાં તે ઘાયલ થઈ ગયો હતો અને તેની ઈજા એટલી ગંભીર હતી કે તેણે ભારત પરત ફરવું પડ્યું હતું. હજુ આ ઘામાંથી ટીમ બહાર આવી નહોતી કે મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ઉમેશ યાદવ બોલિંગ કરતી વખતે ઈન્જર્ડ થઈ જતાં તેણે ચાલું મેચે ગ્રાઉન્ડ છોડવું પડ્યું હતું. આ પછી તેની ઈજા વધુ ગહન જણાતાં તેને પણ ભારત પરત મોકલી દેવાતાં ટીમ ઈન્ડિયાના બે સિનિયર બોલરો ‘આઉટ’ થઈ ગયા હતા.


આ પછી લોકેશ રાહુલ સિડની મેચ પહેલાં પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. જ્યારે સિડની ટેસ્ટ તો ભારતીય ખેલાડીઓ માટે ‘ઘાત’ બનીને આવ્યો હોય તેવી રીતે ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર.અશ્વિન હનુમા વિહારી અને જસપ્રિત બુમરાહ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. આ ખેલાડીઓ પૈકીના આર.અશ્વિન અને જસપ્રિત બુમરાહ બ્રિસ્બેન ટેસ્ટમાં રમે છે કે નહીં તેના ઉપર મોટું પ્રશ્નાર્થ છે તો રવીન્દ્ર અને હનુમા વિહારી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે અને પંતને પણ માત્ર બેટિંગ માટે જ બોલાવાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.


અત્યારે ભારતીય ટીમ પાસે રોહિત શર્મા, અજિંક્ય રહાણે, શુભમન ગીલ, ચેતેશ્વર  પુજારા, મોહમ્મદ સીરાજ, રિદ્ધિમાન શાહા, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, નવદીપ સૈની, શાર્દૂલ ઠાકુર જેવા જ ફિટખેલાડીઓ છે. આ પૈકી પૃથ્વી શો અને રિદ્ધિમાન શાહા પણ ઈજાગ્રસ્ત થઈ જતાં હોવાથી બ્રિસ્બેન ટેસ્ટની ચાર ઈનિંગ ભારત માટે ફિટનેસને લઈને ભારતીય ખેલાડીઓની ‘અગ્નિપરીક્ષા’ લઈ લેશે. અત્યારે વન-ડે, ટી-20 શ્રેણીમાં પ્લેઈંગ ઈલેવનમાં રહેલા વોશિંગ્ટન સુંદર અને ટી.નટરાજનને ટેસ્ટ માટે નેટબોલર તરીકે રોકી રાખવામાં આવ્યા હતા પરંતુ સ્થિતિ જોતાં આ બન્નેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

ઓસ્ટ્રેલિયન બોલરો વિકેટ માટે ઓછા’ને બેટસમેનોને ઘાયલ કરવા માટે વધુ બોલિંગ કરતાં હોય તેવા દ્રશ્યો !
સ્લેજિંગ અને બોડીલાઈન બોલિંગ કરવા માટે જાણીતા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ આ વખતે તમામ હદ વળોટી નાખી હોય તે પ્રકારે ટીમ ઈન્ડિયા પર દબાણ લાવવા માટે બેફામ સ્લેજિંગ તો કરી જ રહ્યા છે સાથે સાથે તેના બોલરો વિકેટ લેવા માટે ઓછી અને બેટસમેનોને ઘાયલ કરવા માટે વધુ બોલિંગ કરતાં હોય તેવા વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મોહમ્મદ શામી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર.અશ્વિન ના ઈન્જર્ડ થવા પાછળ ઓસ્ટ્રેલિયન બોલરો જ જવાબદાર છે કેમ કે તેમને બોલિંગ દરમિયાન જ ઈજા થઈ છે. પંતને કોણીમાં, જાડેજાને અંગૂઠામાં, અશ્વિનને પાંસળીમાં અને શામીને કોણીમાં ઈજા થઈ છે ત્યારે કાંગારું બોલરો સ્ટમ્પ ઓછા અને ખેલાડીઓના શરીરને વધુ ટાર્ગેટ કરતાં હોય તેવી રીતે અત્યંત બાઉન્સ ફેંકી રહ્યા છે. જો કે આ પ્રકારની બોલિંગ કરવા માટે ઓસ્ટ્રેલિયા જાણીતું હોય ભારતીય બોલરો પણ પૂરી તૈયારી સાથે તેનો સામનો કરી રહ્યા છે.

કોણ ક્યારે થયું ઈજાગ્રસ્ત
મોહમ્મદ શામી: એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં
ઉમેશ યાદવ: મેલબર્ન ટેસ્ટના ત્રીજા દિવસે
કે.એલ.રાહુલ: સિડની ટેસ્ટ પહેલાં પ્રેક્ટિસ દરમિયાન
ઋષભ પંત: સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં
રવીન્દ્ર જાડેજા: સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં
આર.અશ્વિન: સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં
હનુમા વિહારી: સિડની ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં
જસપ્રિત બુમરાહ: સિડની ટેસ્ટ બાદ
ભુવનેશ્વર કુમાર: આઈપીએલ દરમિયાન
ઈશાંત શર્મા: આઈપીએલ દરમિયાન

આટલા ખેલાડીઓ ઈન્જર્ડ થવા પાછળ લોકડાઉન મુખ્ય કારણ: ડો. અર્જુનસિંહ રાણા

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને સૌરાષ્ટ્ર ટીમના પૂર્વ ફિઝિયોથેરાપીસ્ટ ડો.અર્જુનસિંહ રાણાએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના આટલા બધા ખેલાડીઓ ઈન્જર્ડ થવા પાછળનું મુખ્ય કારણ લોકડાઉન છે. તેમણે કહ્યું કે ઘરમાં રહીને કસરત કરવી અને ગ્રાઉન્ડ ઉપર કસરત કરવામાં જમીન-આસમાનનું અંતર છે. તમામ ખેલાડીઓએ ઘરમાં રહીને જ કસરત કરી હોવાથી તેમના સ્નાયુ જોઈએ તેટલા પ્રમાણમાં ખુલ્યા નહોતા. આ પછી તેઓ સીધા જ આઈપીએલ રમવા માટે ઉતર્યા હતા અને ત્યાંથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. એકંદરે ગ્રાઉન્ડ ઉપર પૂરતી પ્રેક્ટિસ નહીં થઈ શકવાને કારણે અત્યારે ખેલાડીઓ ઈજાનો સામનો કરી રહ્યા છે. ક્રિકેટ ઉપરાંત લોનટેનિસ અને ફૂટબોલ જેવી સ્પીડવાળી રમત રમતાં ખેલાડીઓમાં પણ આ પ્રકારે ઈજાની સમસ્યા જોવા મળી રહી છે તેના પાછળ લોકડાઉન જ જવાબદાર છે.રવીન્દ્ર જાડેજાની ઈજા વિશે ડો.અર્જુનસિંહ રાણાએ કહ્યું કે હું તેને અન્ડર-14થી રમતો જોઉં છું અને તેની ફિટનેસ અત્યંત સારી છે. ભલે તે ટી-20માં ઈન્જર્ડ થયા બાદ ટેસ્ટ શ્રેણીમાં પણ ઈજાગ્રસ્ત થયો છે પરંતુ તેની રિકવરી પણ સારી હોવાથી તે ટૂંક સમયમાં જ ફિટ થઈને ફરી ગર્જના કરતો જોવા મળશે. રવીન્દ્રની ફિટનેસ એકદમ નેચરલી હોવાને કારણે તેનો રિકવરી રેટ પણ ઘણો સારો છે.

 


Related News

Loading...
Advertisement