સુપ્રીમે સરકારને ખખડાવતાં કોંગ્રેસ સહિતના વિપક્ષ ગેલમાં: ‘એકતા’ બનાવવા સંપર્ક શરૂ

12 January 2021 11:55 AM
India Politics
  • સુપ્રીમે સરકારને ખખડાવતાં કોંગ્રેસ સહિતના વિપક્ષ ગેલમાં: ‘એકતા’ બનાવવા સંપર્ક શરૂ

સોનિયાએ નેતાઓને ધડાધડ ફોન કરીને સંયુક્ત બેઠક માટે કર્યો આગ્રહ: પવાર ડાબેરી નેતાઓના સંપર્કમાં: બજેટસત્રમાં મોદી સરકારને ધોઈ નાખવા ઘડાઈ રહેલી રણનીતિ

નવીદિલ્હી, તા.12
ખેડૂત આંદોલનનું યોગ્ય રીતે નિવારણ નહીં લાવી શકતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખખડાવી નાખ્યા બાદ હવે વિપક્ષ પૂરજોશમાં એક્ટિવ બની ગયો છે. કૃષિ કાયદા પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો છે ત્યારે આ બધાની વચ્ચે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને સાધવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી મોદી સરકારને ઘેરવામાં નિષ્ફળ રહેલા વિપક્ષને સુપ્રીમ કોર્ટની ટીપ્પણી બાદ તક મળી ગઈ છે. એવું મનાય રહ્યું છે કે સોનિયા આગામી બજેટસત્ર દરમિયાન નરેન્દ્ર મોદી સરકારને ઘેરવાનીરણનીતિ બનાવવામાં કામે લાગી ગયા છે.


કોંગ્રેસે સુપ્રીમ કોર્ટની ટીપ્પણીઓ બાદ નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી હતી અને સરકારને ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચી લેવાની માંગ કરી હતી. સંસદના બજેટ સત્ર પહેલાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી વિપક્ષના અનેક એવા નેતાઓના સંપર્કમાં છે જે કૃષિ કાયદાને લઈને સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરવા માટે ટૂંક સમયમાં એકઠા થશે. સંસદ સત્ર પહેલાં વિપક્ષી નેતાઓની બેઠક બોલાવવાનો હેતુથી વિપક્ષી નેતાઓ સાથે સોનિયાએ વાતચીત કરવાનું પણ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ અમુક નેતાઓ સાથે સોનિયા ગાંધી આજે વાત કરવાના છે. આ કવાયતનો હેતુ કૃષિ કાયદાઓ અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને સરકારને ઘેરવા માટે રણનીતિ બનાવવાનો છે. અનેક વિપક્ષ ખાસ કરીને કોંગ્રેસ ત્રણેય કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ કરી રહી છે.


એક બાજુ સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓને ફોન કરીને એક સંયુક્ત બેઠક આયોજિત કરવાનો આગ્રહ કર્યો છે જેથી કેન્દ્ર સરકાર સામે વિરોધ બળવત્તર બની શકે. બીજી બાજુ એનસીપી નેતા શરદ પવાર પણ એક્ટિવ થઈને ડાબેરીઓને સાધી રહ્યા છે. પવારે સીતારામ યેચુરી અને ડી.રાજા સાથે ખેડૂત આંદોલન મુદ્દે વાતચીત કરી હતી.કોંગ્રેસ કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણીઓને લઈને ઉત્સાહિત છે અને પક્ષના નેતાઓનું માનવું છે કે સુપ્રીમ કોર્ટ કાયદાને સ્થગિત કરી શકે છે. પક્ષના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ અને તેની ચિંતાઓનું સન્માન કરીએ છીએ પરંતુ આ કાયદાને રદ્દ કરવા ઉપરાંત કોઈ બીજું સમાધાન નથી.


સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો છે કે તે કૃષિ કાયદાના અમલ ઉપર રોક લગાવી શકે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની આગેવાનીવાળી બેન્ચે કેન્દ્ર સરકારની ટીકા કરતાં કહ્યું કે તેણે કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનને યોગ્ય રીતે હેન્ડલ કર્યું નથી. અદાલતે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું કે તે એ વાતને લઈને દુ:ખી છે કે કેન્દ્ર સરકારે આ મામલાને સક્ષમ રીતે હેન્ડલ કર્યો નથી. સુપ્રીમે સરકારને કહ્યું કે અમારા ધૈર્યને લઈને અમને લેક્ચર આપવામાં ન આવે. અમે તમને ઘણો સમય આપ્યો જેથી સમસ્યાનું સમાધાન નીકળી શકે. કૃષિ કાયદા વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણીદરમિયાન સુપ્રીમે સંકેત આપ્યા કે તે કાયદાના અમલ પર ત્યાં સુધી રોક લગાવી શકે છે જ્યાં સુધી કમિટી સામે બન્ને પક્ષોની વાતચીત ચાલશે જેથી વાતચીત માટે યોગ્ય વાતાવરણ ઉભું થઈ શકે.


Related News

Loading...
Advertisement