આજે જૈનોના 23મા તીર્થંકર ભગવંત શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું જન્મ કલ્યાણક છે જ્યારે આવતીકાલ શનિવારે પાર્શ્ર્વ પ્રભુનુ દીક્ષા કલ્યાણક છે. રાજકોટમાં કોરોનાના કારણે ભાવિકો ઘરમાં રહીને અઠ્ઠમ તપ (પોષ દશમી) આરાધના કરી રહ્યા છે. આ વર્ષે સામુહિક અઠ્ઠમ તપ આરાધના યોજાયેલ નથી.
રાજકોટ જૈન તપગચ્છ સંઘ દ્વારા સંચાલિત શ્રી મણિયાર દેરાસરમાં આજે પાર્શ્ર્વ પ્રભુના જન્મ કલ્યાણક નિમિતે શક્રસ્તવ મહાઅભિષેકનું આયોજન કરવામાં આવેલ. ઉપરોકત અનુષ્ઠાન, પ્રભાવના તથા પરમાત્માની આંગીના લાભાર્થી નર્મદાબેન મુલચંદભાઇ દોશી (હસ્તે ચારૂલબેન હિતેશભાઇ દોશી) પરિવાર છે. મણિયાર દેરાસરમાં આજે સવારે નવ વાગે શક્રસ્તવ પૂજનના પાંચ અભિષેક વિધિ વિધાન સાથે સંપન્ન થયા હતા જેમાં લાભાર્થી પરિવાર સહિત ભાવિકોએ લાભ લીધો હતો. વિધિવિધાન માટે અમદાવાદથી પંડિત ધવલભાઇ આવેલા હતા. ભકિત સંગીતમાં પ્રતાપભાઇ શાહે સાથ પુરાવ્યો હતો. આજે રાત્રે મણિયાર દેરાસરમાં પરમાત્માની મનમોહક, રંગબેરંગી આંગી રચવામાં આવશે. ઉપરોકત તસ્વીરમાં મણિયાર દેરાસરમાં મૂળનાયક રૂપે બિરાજતા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાને અભિષેક કરતા ભાવિકો, બીજી તસ્વીરમાં વિધિવિધાન કરાવતા પંડિતજી જોવા મળે છે. (તસ્વીર : મિલન વાઘેલા)