અમરેલી:
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અમરેલી જિલ્લા માટે મહત્વની જાહેરાત કરી છે. સીએમ રૂપાણીએ નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય કર્યો છે. હવે જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સહિતની સેવાઓ ત્વરિત અને નજીકના સ્થળેથી મળી રહેશે. આ નવા પ્રાંતના કાર્યક્ષેત્રમાં બગસરા અને વડીયા તાલુકાનો સમાવેશ કરાયો છે.
વિસ્તૃત વિગત મુજબ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમરેલી જિલ્લાને આગવી ભેટ આપી છે. જિલ્લાના નાગરિકોને રાજ્ય સરકારની મહેસૂલી સેવાઓ સહિતની સેવા ત્વરિત અને નજીકના સ્થળેથી મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં નવા બગસરા પ્રાંતની રચનાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી અમરેલી પ્રાંતમાં સમાવિષ્ટ બગસરા હવે નવો પ્રાંત બનશે. નવા બગસરા પ્રાંતના કાર્યક્ષેત્રમાં બગસરા અને વડીયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી પ્રજાસત્તાક દિવસ તા.ર૬ જાન્યુઆરી-ર૦ર૧થી નવો બગસરા પ્રાંત કાર્યરત થશે.
ઉલ્લેખનીય છે કે, ધારી પેટા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બગસરાને નવી પ્રાંત ઓફિસ ફાળવવામાં આવશે તેવી વાત કહીં હતી. આજે તેમણે મહત્વનો નિર્ણય લેતા હવે બગસરના લોકોને કલેકટર કચેરીના કામ માટે 33 કિમી દૂર અમરેલી સુધી લાબું નહીં થવું પડે.