ભાણવડના મેવાસા ગામે ઘરમાં 8.38 લાખની લૂંટ

08 January 2021 11:34 AM
Jamnagar Crime Dharmik
  • ભાણવડના મેવાસા ગામે ઘરમાં 8.38 લાખની લૂંટ

છરીની અણીએ દાગીના-મોટર લઇ જતા ચાર શખ્સો : નાકાબંધી વચ્ચે કાર મુકી ભાગી જતા લૂંટારૂ : દોડધામ

ખંભાળીયા, તા. 8
ભાણવડ પંથકના મેવાસા ગામની સીમમાં રહેતા એક વૃદ્ધના ઘરમાં મધ્ય રાત્રીના સમયે ત્રાટકી, ચાર અજાણ્યા શખ્સોએ છરી તથા હથિયારો બતાવીને કિંમતી દાગીના તથા મોટરકાર મળી કુલ 8.38 લાખના માલમત્તાની લૂંટ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. લૂંટ ચલાવી, નાસી છૂટેલા શખ્સોએ લાલપુર નજીક પોલીસને જોઈ અને મોટરકાર મુકીને ભાગી ગયા હતા. પોલીસે સઘન તપાસ આરંભી છે.
ભાણવડ સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના મેવાસા ગામની સીમમાં આવેલા ફાટકની બાજુમાં રહેતા અને મૂળ જામજોધપુર તાલુકાના ગિંગણી ગામના રહીશ એવા ગોરધનભાઈ ટપુભાઈ પરેસા નામના સાઈઠ વર્ષના નિવૃત્ત એવા સુવાળીયા કોળી વૃદ્ધ ગતરાત્રીના તેમના પરિવારજનો સાથે પોતાના રહેણાંક મકાનમાં રાત્રિના વાળુ-પાણી કરીને સૂતા હતા. ત્યારે મધ્યરાત્રીના આશરે સવા વાગ્યાના સમયે તેમના રહેણાંક મકાનમાં આશરે 25 થી 30 વર્ષની વયના ચાર શખ્સો ધસી આવ્યા હતા.
હિન્દી ભાષા અને પરપ્રાંતીય એવા આ શખ્સોએ પોતાની સાથે રહેલી છરી, લોખંડના પાઇપ, દાતરડા જેવા ઘાતક હથિયારો બતાવી અને આ મકાનના રહેણાકના વડીલ ગોરધનભાઈ પરેસાને મોતનો ભય બતાવી અને તેમના રહેણાક મકાનમાં રાખવામાં આવેલા જુદા જુદા સોના તથા ચાંદીના દાગીના ઝુંટવી લીધા હતા.


આમ, ચાર અજાણ્યા આરોપી લૂંટારૂઓ દ્વારા આ પરિવારજનોને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી અને મારકૂટ કરી, તેઓ પાસે રહેલા રૂપિયા 5,37,300ની કિંમતના જુદા જુદા દાગીના તથા રૂપિયા 500ની કિંમતનો એક મોબાઇલ ફોન ઉપરાંત જતાં જતાં તેઓની માલિકીની રૂપિયા ત્રણ લાખની કિંમતની જી.જે. 37 બી 8822 નંબરની કવિડ મોટરકારમાં નાશી છૂટયા હતા.


લૂંટના આ બનાવથી હતપ્રભ બની ગયેલા આ પરિવારજનોએ તાકીદે ભાણવડ પોલીસને જાણ કરતાં સ્થાનિક પી.એસ.આઇ. જે.જી. સોલંકી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ડી.વાય.એસ.પી. હીરેન્દ્ર ચૌધરીના વડપણ હેઠળ પી.એસ.આઇ. તથા સ્ટાફ દ્વારા તુરંત જ આ સમગ્ર પંથકમાં નાકાબંધી તથા સઘન પોલીસ પેટ્રોલિંગ હાથ ધરી, લૂંટારૂઓના સગડ દબાવવામાં આવ્યા હતા.


કાર છોડી દીધી
લૂંટ ચલાવી અને નાસી છૂટેલા લૂંટારુઓ લાલપુર નજીક પહોંચતા રાત્રીના આશરે ત્રણેક વાગ્યે આ સ્થળે ખાસ ચેકિંગમાં રહેલા પોલીસ સ્ટાફને જોઈને આ આરોપીઓ લૂંટ ચલાવેલી કવીડ મોટરકાર લાલપુર નજીક જ છોડી અને અંધારામાં અલોપ થઇ ગયા હતા.


આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફે ડોગ સ્વોડ તથા એફએસએલના નિષ્ણાંતોની સેવાઓ લઈ, ગોરધનભાઈ પરેસાની ફરીયાદ પરથી આઇ.પી.સી. કલમ 394, 458, 341, 341 તથા 34 મુજબ ગુનો નોંધી, લૂંટારૂઓની સઘન શોધખોળ હાથ ધરી છે. સીમ વિસ્તારમાં થયેલી આ સનસનીખેજ લૂંટના બનાવે નાના એવા મેવાસા ગામ સાથે સમગ્ર ભાણવડ પંથકમાં ભારે ભય સાથે ચકચાર પ્રસરાવી છે.


Related News

Loading...
Advertisement