મુખ્યમંત્રી રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કર્યુ

06 January 2021 09:01 PM
Government Gujarat
  • મુખ્યમંત્રી રૂપાણીએ મહિલા ઉત્કર્ષ યોજનાનું વેબ પોર્ટલ લોન્ચ કર્યુ

આ યોજનામાં ગ્રામીણ ક્ષેત્રમાં 50 હજાર શહેરી ક્ષેત્રમાં 50 હજાર મળી 1 લાખ મહિલા જૂથોને જૂથદીઠ રૂ.1 લાખની સહાય-ધિરાણ અપાશે

ગાંધીનગર, તા.6
આજે ગાંધીનગર ખાતે રાજ્યના મંત્રીમંડળની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની પ્રગતિ, લાભાર્થીઓની તેમજ સહભાગી બેંકો-નાણાંકીય સંસ્થાઓની વિસ્તૃત માહિતી સાથેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના વેબ પોર્ટલ www. mmuy. gujarat.gov.in નું લોન્ચીંગ કરાયું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનામાં ગ્રામીણ ક્ષેત્રમાં 50 હજાર શહેરી ક્ષેત્રમાં 50 હજાર મળી 1 લાખ મહિલા જૂથોને જૂથદીઠ રૂ.1 લાખની સહાય-ધિરાણ અપાશે. પ્રત્યેક જૂથમાં 10 બહેનો મળી રાજ્યની 10 લાખ માતા-બહેનોને આત્મનિર્ભરતા સ્વાવલંબનના માર્ગે વાળવાનો પ્રયાસ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની યોજનાની સંપૂર્ણ માહિતી-વિગતો પારદર્શી રીતે મળી રહે તે માટે યોજનાનું વેબ પોર્ટલ લોંચ કર્યુ હતું. આ યોકનામાં મૂળ જૂથોને ગૃહ ઊદ્યોગ-નાના વ્યવસાય શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે. વેબ પોર્ટલ પરથી યોજનાની સંપૂર્ણ વિગતો, લાભાર્થીની પાત્રતા તેમજ જૂથની રચના થતાં જ ગ્રામીણસ્તરેથી તેની વિગતો પોર્ટલ પર ઉપલબ્ધ બનશે. આના પરિણામે યોજનામાં સહભાગી બેંકોને તેમના કાર્યક્ષેત્રના મહિલાજૂથોની વિગતો સીધી જ મળતી થવાથી લોન-સહાય એપ્રૂવલની પ્રક્રિયા ઝડપી બનશે અને પેપરલેસ ગર્વનન્સનો અભિગમ સાકાર થતાં બેંકો આ પોર્ટલ પરના સ્ટેટસના આધારે મહિલા જૂથોની લોન-ધિરાણ અંગેની પોતાની પ્રોસેસ શરૂ કરી દેશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તા.17મી સપ્ટેમ્બર-2020ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની રાજ્યની મહિલાશક્તિની આર્થિક ઉન્નતિની ભેટ રૂપે આ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલો છે. યોજનાના સફળ અમલીકરણ માટે સરકારે 65 અર્બન કો-ઓપરેટીવ બેન્ક તથા કુલ 124 જેટલી સહકારી તેમજ અન્ય બેંક મળી 189 સંસ્થાઓ સાથે MoU અત્યાર સુધી કરેલા છે. યોજનામાં રાજ્યભરમાં 44854 જેટલા જોઇન્ટ લાયાબિલીટી અર્નિગ એન્ડ સેવિંગ જૂથોની રચના થઇ ગઇ છે. હાલની સ્થિતિએ 4 લાખ 48 હજાર માતા-બહેનોને આ યોજનાનો લાભ મળશે.


Related News

Loading...
Advertisement