ગુજરાતની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષકો - કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ અપાશે

05 January 2021 09:59 PM
Government Gujarat
  • ગુજરાતની ગ્રાન્ટેડ હાઈસ્કૂલોના શિક્ષકો - કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ અપાશે

● ગુજરાત સરકારના મહત્વના નિર્ણય અંગે શિક્ષણમંત્રી ચુડાસમાએ જાહેરાત કરી, હવે શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન નહીં રહે ● 70,000 જેટલાં શિક્ષક-કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે

ગાંધીનગર:
ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોને ફાજલ તરીકેનુ કાયમી રક્ષણ અપાશે. ગુજરાત સરકારના મહત્વના આ નિર્ણય અંગે શિક્ષણમંત્રી ચુડાસમાએ જાહેરાત કરી છે. તેમના જણાવ્યા મુજબ હવે અનુદાનિત શાળાના શિક્ષક- કર્મચારીને વર્ગ-શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાનો પ્રશ્ન નહીં રહે. આ નિર્ણયનો લાભ 70 હજાર શિક્ષકો-કર્મચારીઓને મળશે.

શિક્ષણમંત્રીએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી વર્ષ 2011થી કેન્દ્રીયકૃત રીતે મેરીટના આધારે કરવામાં આવે છે. સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા, ટાટ પરીક્ષા, લાયકાત, પગાર ધોરણ તેમજ કામગીરી એક સમાન હોય, આ નિર્ણય કરાયો છે. પરંતુ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવતા હોય છે. આવા શિક્ષકો સતત અસલામતીના ભયના ઓથાર નીચે કામગીરી કરતા હોય છે. તેની સીધી અસર શિક્ષણ કાર્યની ગુણવત્તા પર થતી હોય છે. આ નિર્ણયના પરિણામે શિક્ષણની ગુણવત્તા અને કામગીરી વધુ સુદર્ઢ બનશે. તેવો શિક્ષણમંત્રી ચુડાસમાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

◆ ફાજલ શિક્ષકની નિમણૂકથી જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે

ભુપેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના આ નિર્ણયના કારણે ખાલી પડતી જગ્યા પર નવેસરથી નિમણૂક કરવાના બદલે ફાજલ શિક્ષકની નિમણૂક કરવામાં આવે તો જગ્યા ભરવાની લાંબી પ્રક્રિયામાંથી બચી શકાશે અને તૈયાર થયેલા અનુભવી શિક્ષકને કામ આપી શકાશે અને શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે. હાલ ફરજ બજાવતા શિક્ષકો માટે જુના શિક્ષકોની ભરતી અંગેની જોગવાઇ હોવાથી જે શિક્ષકો શાળા બદલવા માંગતા હોય તેઓ આ જોગવાઇનો લાભ લઈ પોતાની ઇચ્છિત શાળામાં જઈ શકશે. આથી, બદલીના વિકલ્પ તરીકે દૂરના સ્થળથી નજીક, ઇચ્છિત જગ્યાએ નિમણૂક મેળવવા કાયમી રક્ષણનો દુરઉપયોગ કરવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ગો કે સ્કૂલ બંધ થવાના ત્યાંના કર્મચારીઓને ફાજલ જાહેર કરી, નોકરીનું રક્ષણ આપી અન્ય શાળામાં ખાલી જગ્યા પર સમાવવામાં આવે છે. જે અંગે રાજ્ય સરકારે સૌ પ્રથમવાર તા.21/5/1994ના ઠરાવથી ફાજલ અંગેની નીતી જાહેર કરી હતી અને તા.15/4/1994 કે તે પહેલા નિમાયેલા શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ આપ્યુ હતું. ત્યારબાદ તા.30/6/1998 સુધી નિમણૂક પામેલા કર્મચારીઓ - શિક્ષકો માટે આ રક્ષણ લંબાવાયુ હતુ અને તા.31-3-2016 સુધી નિમણૂક પામેલા શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કાયમી રક્ષણ અપાયું છે.

◆ રાજ્ય સરકાર ઉપર કોઇ નવું નાણાકીય ભારણ આવશે નહીં

ઘણી વખત એવું થાય છે કે, ફાજલનું રક્ષણ ન હોવાના ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો સરકારી શાળાઓમાં નિમણૂક મળેથી ત્યા જોડાઇ જાય છે. તેમ કરવાથી બિનસરકારી અનુદાનિત શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકોથી વંચિત રહે છે. તાજેતરમાં કરાયેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતીમાં ગ્રાન્ટેડ શાળાઓમાંથી 30 જેટલા શિક્ષકો રાજીનામુ આપી સરકારી શાળામાં જોડાયા છે. શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવાથી જ્યારે તેઓને ફાજલ કરી અન્યત્ર મુકવામાં આવે છે ત્યારે રાજ્ય સરકાર ઉપર કોઇ નવું નાણાકીય ભારણ આવશે નહી.


Related News

Loading...
Advertisement