રાજકોટ તા.31
યુકેમાં કોરોનાનો ભયાનક નવો સ્ટ્રેઈન જોવા મળતા દુનિયાભરમાં ફરી ભયનું લખલખુ પ્રસરી ગયુ છે. ફરી એકવાર હવાઈ સેવાઓ પર પ્રતિબંધ લાદવાના નિર્ણયો લેવા છે. ભારતમાં પણ યુકે, યુરોપથી આવતી ફલાઈટો બંધ કરાઈ છે અને દેશભરમાં યુકેથી તાજેતરમાં આવેલા મુસાફરોના પરિક્ષણ થઈ રહ્યા છે ત્યારે જિલ્લામાં થોડા દિવસો પહેલા યુકેતી આવેલા 4 મુસાફરોની ભાળ ન મળતા તંત્ર ગોટે ચડયું છે. આ મુસાફરોના મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતા હોય અને સરનામાની પણ પુરતી માહિતી ન હોય, જેથી તંત્રની ચિંતા વધી છે.
કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી યુકેથી આવેલા મુસાફરો-નાગરિકોને ટ્રેસ કરી હોમ કવોરન્ટાઈન કરવા અને કોરોના ટેસ્ટ કરવા તથા સેમ્પલો વિશેષ પરિક્ષણ માટે લેબમાં મોકલવા સૂચના આપી છે ત્યારે પોરબંદર જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ગાઈડલાઈન મુજબ કામગીરી શરુ કરાઈ હતી. જેમાં તા.25 નવેમ્બરથી તા.23 ડીસેમ્બર દરમ્યાન યુકેથી 99 નાગરિકો પોરબંદર આવ્યા હોવાની યાદી મળતા તંત્રએ તમામને ટ્રેસ કરવા કામગીરી શરૂ કરી હતી. જેમાં 95 નાગરિકોને ટ્રેસ કરી ગાઈડલાઈન મુજબની પ્રક્રિયા કરવામાં આવી છે.
જો કે, હજુ સુધી 4 નાગરિકોનો કોઈ પતો લાગ્યો નથી. ટ્રેસ ન થનાર મુસાફરોમાંથી 2 લોકો છાયાના ખડા વિસ્તારના છે. 1 વ્યક્તિ પોરબંદર અને 1 વ્યક્તિ એરપોર્ટની સામેના વિસ્ત્રના હોવાની જાણકારી આરોગ્ય તંત્ર પાસે છે. જો કે, આટલી માહિતીથી પણ તેમનો પતો લાગી શકયો નથી. આ મુસાફરોના મોબાઈલ પણ સ્વીચ ઓફ હોવાથી આરોગ્ય તંત્ર ગોટે ચડયું છે. આ અંગે રાજય સરકારના વિભાગોને અહેવાલો મોકલી જાણ કરાઈ છે. સ્થાનિક તંત્રને આશા છે કે, સ્ટેટ તરફથી આવા મુસાફરોની વધુ વિગત મળી શકે છે. જો કે, હાલ આ મુસાફરોને શોધવા તંત્ર હડીયાપટ્ટીમાં લાગી ગયું છે.