નવી દિલ્હી તા.30
વીમા કંપનીઓ માટે વધુ આકરા નિયમો ઘડીને વીમા પોલીસીઓ પારદર્શક બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આરોગ્ય વિમાની ખરીદી કરતા પુર્વે કંપનીઓ તરફથી ગ્રાહકને પ્રીમીયમ રકમની સંપૂર્ણ ગણતરી તથા પ્રીમીયમના લાભની માહિતી મળશે. વીમા નિયમનકાર ઈરડા દ્વારા કંપનીઓને આવા આદેશ કરવામાં આવ્યા છે.ઈરડા તરફથી તમામ આરોગ્ય વીમા કંપનીઓને એવી સૂચના આપવામાં આવી છે
કે 1લી એપ્રિલથી આરોગ્ય વીમા પોલીસીના લાભ તથા પ્રીમીયમની ગણતરી પેશ કરવામાં આવે. વ્યક્તિગત તથા ફેમીલી ફલોટર એમ બન્ને વીમા પોલીસીમાં તે લાગુ થશે. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે વર્તમાન સમયમાં આરોગ્ય વીમા, પોલીસી એન્ડ ઓન, એનઆઈએસ કલેમ, બોનસ વગેરેને કારણે ઘણી જટીલ થઈ ગઈ છે. આ સંજોગોમાં વીમાધારકને પોલીસીની કિંમત તથા લાભ વિશે વિગતવાર માહિતી મળે તે જરૂરી હશે. આ કદમથી ફેમીલી ફલોટરમાં કયા સભ્યને કેટલું કવચ મળશે તેની પણ માહિતી ઉપલબ્ધ થશે. આ કદમ આરોગ્ય વીમો લેતા ગ્રાહકોના હિતમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
નિષ્ણાંતોએ એમ કહ્યું કે કોઈ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે અથવા ફેમીલી ફલોટર આરોગ્ય વીમો ખરીદે છે તો તેને મળનાર કવચની વાસ્તવિક માહિતી હોતી નથી. વીમા કંપનીઓ કે એજન્ટો વિગતવાર સમજણ આપતા નથી. નવા નિયમો હેઠળ પોલીસી કિંમતની ગણતરી તથા તેના લાભ-કવચ પારદર્શક બનશે.છેલ્લા મહિનાઓમાં વીમા કંપનીઓએ આરોગ્ય વિમાની કિંમતમાં મોટો વધારો કર્યાનો ઉહાપોહ સર્જાયો હતો. પ્રીમીયમ 40થી70 ટકા સુધી વધાર્યુ હતું. જો કે ઈરડાનો દાવો છે કે નવા નિયમ હેઠળ પ્રીમીયમ રકમમાં મહતમ પાંચ ટકાનો વધારો થયો છે.