ગુજરાતમાં યુ.કે. યુરોપથી આવેલા ૧૭૨૦ મુસાફરોના RTPCR ટેસ્ટ થયા : ૧૧ લોકોના રિપોર્ટ પોઝિટિવ

27 December 2020 07:30 PM
Government Gujarat
  • ગુજરાતમાં યુ.કે. યુરોપથી આવેલા ૧૭૨૦ મુસાફરોના RTPCR ટેસ્ટ થયા : ૧૧ લોકોના રિપોર્ટ પોઝિટિવ

● મુખ્યમંત્રી રૂપાણીના પુત્રી રાધિકા, જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ યુકેથી ગુજરાત આવ્યા : ત્રણેયના ટેસ્ટ થતા રિપોર્ટ નેગેટિવ ● કોરોનાના સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલ પુના - ગાંધીનગર મોકલાયા : ચકાસણી - જીનોમ સ્ટડી કરાશે

રાજકોટઃ
ગુજરાતમાં યુ.કે. યુરોપથી આવેલા ૧૭૨૦ મુસાફરોના RTPCR ટેસ્ટ થયા છે. જેમાંથી ૧૧ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. યુકેમાં કોરોનાનો નવો પ્રકાર સામે આવ્યા બાદ સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે ગાઈડલાઈન જાહેર કરે હતું. જેના અનુસંધાને કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણોની તપાસણી માટે સેમ્પલ પુના - ગાંધીનગર મોકલાયા છે. જ્યાં ચકાસણી અને જીનોમ સ્ટડી થશે. સામાન્યત આ સેમ્પલની તપાસ માટે ૮ થી ૧૦ દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ આગળની વ્યવસ્થાઓ, તકેદારી રાજ્ય સરકાર લેશે.

તદ્દનુસાર તા. ૨૫ નવેમ્બરથી તા.૮ ડિસેમ્બર દરમિયાન આવા ૫૭૨ મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં આવેલા છે. તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ૯ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમિયાન ૧૧૪૮ વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-૨, આણંદ-૨, ભરૂચ-૨ અને વલસાડ-૧ વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે.

◆ મુખ્યમંત્રીના પરિવારે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીના યુકેથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ ભારત સરકારની સૂચિકા-નિર્દેશોનું પાલન કરતા પોતાના ટેસ્ટ-RTPCR ટેસ્ટ કરાવ્યા હતા. મુખ્યમંત્રીના પુત્રી રાધિકા, જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. નિયમોનું પાલન કરી મુખ્યમંત્રીના પરિવારે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

◆ યુકે સહિતના દેશોમાંથી આવતી તમામ હવાઇ ઉડાન રદ કરાઈ

ઉલ્લેખનીય છે કે, કોરોનાના નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન ૨૩ ડિસેમ્બરથી રદ કરી છે. ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે એટલું જ નહીં ૯મી ડિસેમ્બર થી ૨૩ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે.


Related News

Loading...
Advertisement