ગાંધીનગર:
કોરોના કાળમાં જોખમ વચ્ચે કામ કરતા ઇન્ટર્ન તબીબો ઓછા વેતનને લઈ હળતાલ પર હતા. નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ત્રણેક દિવસ પહેલા આ તબીબોએ હડતાલ સમેટી લીધી હતી. ત્યારે સરકાર તરફે નીતિન પટેલે વેતન વધારવા ખાતરી આપી હતી. આજે પણ નાયબ મુખ્યમંત્રી સાથે તબીબોની બેઠક મળી હતી એ બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતા આ ટર્મના 2000 જેટલા ઈન્ટર્ન તબીબોને પ્રોત્સાહન પેટે વેતન વધારવા નિર્ણય કર્યો છે.
રાજ્યના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બેઠક બાદ જણાવ્યું હતું કે, રાજ્યની જુદી - જુદી સરકારી હોસ્પિટલોમાં 2000 જેટલા ઇન્ટર્ન તબીબો કોરોનાના કપરા સમયમાં સેવા આપી રહ્યા છે. મહામારીની શરૂઆતમાં જ્યારે ડોકટરોની અછત હતી ત્યારે આ ઇન્ટર્ન તબીબોએ બખૂબી કામગીરી સંભાળી, આ ઇન્ટર્ન તબીબો સરકારની ગાઈડલાઈન પ્રમાણે તબીબી ડીગ્રી મેળવ્યા બાદ એક વર્ષ માટે સરકારી હોસ્પિટલોમાં ઇન્ટનશીપ કરે છે અને અનુભવ મેળવે છે. તાલીમ લે છે. તેમજ દર્દીઓની સારવાર પણ કરે છે. આ પેટે તેમને સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવે છે. જોકે વેતન વધારાને લઈ આ તબીબી વિદ્યાર્થીઓએ બે દિવસની હળતાલ કરી હતી. મારી સાથેની બેઠક બાદ મેં ખાતરી આપતા મારી લાગણીને માન હળતાલ સ્થગિત કરી હતી. આજે ફરી અગ્ર સચિવ, આરોગ્ય કમિશનરની હાજરીમાં તબીબી પ્રતિનિધિઓ સાથે મેં બેઠક કરી જેમાં કોરોના કાળમાં તેમની કામગીરીનું મૂલ્યાંકન કર્યું. અને તમામ મુદ્દે ચર્ચા બાદ સરકારે તેમને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે.
નીતિનભાઈના જણાવ્યા મુજબ હવે આ ઇન્ટર્ન તબીબોની ટર્મ એપ્રિલ માસથી આગામી ફેબ્રુઆરી માસ સુધીની રહેશે તેમની સેવાને ધ્યાને રાખી આ દસ માસ દરમિયાન દર માસ દીઠ સ્ટાઈપેન્ડની રૂ. 13000ની રકમ સાથે રૂ.5000નું માનદ વેતન પ્રોત્સાહન રૂપે ચૂકવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે સ્ટાઈપેન્ડમાં કોઈ વધારો કરાયો નથી અને આ નિર્ણય આ ટર્મ પૂરતો જ રહેશે. એટલે હવે દરેક ઇન્ટર્ન તબીબોને 10 માસના રૂ.50,000ની રકમ પ્રોત્સાહન રૂપે ચૂકવવામાં આવશે.
મહત્વનું છે કે, સરકારના આ નિર્ણય બાદ હવે દરેક ઇન્ટર્ન તબીબ કે જે કોવિડમાં સેવા આપી રહ્યા છે તેમને 13000 સ્ટાઈપેન્ડ અને રૂ.5000 માનદ વેતન પેટે મળશે. જે અન્ય રાજ્યની તુલનામાં વેતન હજુ પણ ઓછું છે. તબીબોએ હળતાલ દરમિયાન જણાવ્યું હતું કે, દિલ્હીમાં ઇન્ટર્ન ડોક્ટરને 30 હજાર અને કેરળમાં પણ ડોક્ટરોને 28 હજાર વેતન ચૂકવવામાં આવે છે.