ગાંધીનગર:
રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે ઇન્ટર્ન ડોક્ટરો ઓછું વેતન આપવામાં આવતુ હોવાના પ્રશ્ને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા હતા જેના પગલે સરકારની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જોકે, નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલનો અંત આવ્યો છે. નીતિન પટેલ સાથે ચર્ચા બાદ બે-ત્રણ દિવસમાં જ માંગણી સંતોષવા સરકારે ખાતરી આપતા ઇન્ટર્ન ડોક્ટરોના પ્રતિનિધિઓએ તબીબોને ડ્યુટી જોઇન કરવા સૂચન કર્યું છે.
હડતાલ કરતા ઇન્ટર્ન ડોક્ટરોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને દિવસના 500 રૂપિયા ચૂકવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૉવિડ કોર્ડીનેટર તરીકે કામ કરનાર તેમજ ફોન પર કોવિડ અંગેની સલાહ આપનારને પણ મહિને 15,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. જોકે કોવિડના ભારે જોખમ વચ્ચે કામ કરતા ઇન્ટર્ન ડોક્ટરને ગુજરાતમાં 12,500 જ આપવામાં આવે છે. જ્યારે દિલ્હીમાં ઇન્ટર્ન ડોક્ટરને 30 હજાર અને કેરળમાં પણ ડોક્ટરોને 28 હજાર વેતન ચૂકવવામાં આવે છે. જેથી ઇન્ટર્ન ડોક્ટરને ગુજરાત સરકાર પગાર ચુકવણીમાં અન્યાય કરતી હોવાના આક્ષેપ સાથે હડતાલ કરવામાં આવી હતી.
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ તેમજ વડોદરા ભાજપ શહેરના પ્રમુખ વિજય શાહની હાજરીમાં બેઠક મળી હતી જે બાદ તબીબ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, તમામ સરકારી મેડિકલ કોલેજ અને જીએમઇઆર કોલેજના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં અમારા મુદ્દા મામલે ઉંડાણપૂર્વક અને વિગતવાર ચર્ચા કરી હતી. અમારા મુદ્દાઓને સંતોષવાની વિશ્વાસપૂર્વક ખાતરી આપવામાં આવી છે અને બે-ત્રણ દિવસમાં વિશ્વાસનીય નિવારણ આપવાની ખાતરી કરી છે. આ બાંહેધરીને ધ્યાનમાં રાખતા અમે સર્વસમ્મતિથી નિર્ણય લઇ રહ્યા છીએ કે હાલ પુરતા બિન શરતી રીતે જે તબીબો હડતાળ પર હતા. તે પોતાની ડ્યુટી જોઇન કરશે. અને હડતાલ હાલ સ્થગિત કરવામાં આવી છે.