રાજકોટ : પ્ર. નગર પોલીસ મથકમાં કુખ્યાત ગેંગ સામે પોલીસ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં એજાઝ ઉર્ફે હકુભા ખિયાણી, ઇમરાન મેણુ સહિતનાઓનો સમાવેશ છે. આ ગેંગનાં બે શખ્સોએ ગઇકાલે જ પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ પર પથ્થર વડે હુમલો કર્યો હતો. જો કે બાદમાં પોલીસે તેને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ચાવડા, પીએસઆઈ કે.ડી. પટેલ તથા સ્ટાફ દારુના એક ગુનામાં વોન્ટેડ શખ્સને ઝડપી લેવા માટે તપાસમાં હતા દરમિયાન આરોપી મુસ્તુફા અકબરભાઈ ઉર્ફે હકુભા ખિયાણી તથા માજીદ રફીકભાઈ ભાણુ બસમાંથી ઉતરતા પોલીસે મુસ્તુફાના દારુના ગુનામાં જ આગોતરા જામીન મંજુર થયા હોય પરંતુ પોલીસમાં હાજર થવાનું બાકી હોય પોલીસે આરોપીની અટક કરવાની કોશિષ કરતાં તે નાસી છુટયો હતો. પીએસઆઈ કે.ડી. પટેલે તેનો પીછો કરતા પથ્થરનો ઘા કરી પીએસઆઈને ઇજા પહોંચાડી હતી. જોકે પોલીસે તાકીદે બંને આરોપીઓને ઝડપી લઇ તેમની સામે ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.