હૈદરાબાદ ચૂંટણી પરિણામોમાં ઉલટફેર : બહુમતિ મેળવ્યા બાદ ભાજપની પીછેહઠ: ચંદ્રશેખર-ઓવૈસીનો દબદબો

04 December 2020 06:39 PM
India Politics
  • હૈદરાબાદ ચૂંટણી પરિણામોમાં ઉલટફેર : બહુમતિ મેળવ્યા બાદ ભાજપની પીછેહઠ: ચંદ્રશેખર-ઓવૈસીનો દબદબો

ચંદ્રશેખર રાવનો પક્ષ 70 અને ઓવૈસીનો પક્ષ 45 બેઠકો ઉપર આગળ: ભાજપ એક સમયે 85થી વધુ બેઠકો ઉપર આગળ થઈ ગયું’તું

નવીદિલ્હી, તા.4
ગ્રેટર હૈદરાબાદ નગરનિગમ (જીએચએમસી) માટે આજનો દિવસ અત્યંત મહત્ત્વનો છે કેમ કે નગરનિગમ ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. 150 વોર્ડ માટે 1122 ઉમેદવારો મેદાનમાં ઉતરેલા છે. આ વખતની નગરનિગમની ચૂંટણી એટલા માટે ખાસ છે કેમ કે કેન્દ્રની ભાજપ સરકારના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણીમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસી અને કે.ચંદ્રશેખર રાવનો કબજો યથાવત રહે છે કે પછી ભાજપ ત્રણ વોર્ડથી વધુ વોર્ડમાં જીત નોંધાવે છે. પ્રારંભીક ટ્રેન્ડમાં પહેલં ભાજપ એઆઈએમઆઈએમ અને ટીઆરએસને પછાડીને સૌથી આગળ ચાલી રહી હતી પરંતુ બપોર સુધીમાં ટીઆરએસે આગળી નીકળી જઈ લીડ મેળવી લીધી છે. એક સમયે ભાજપ 85થી વધુ બેઠક ઉપર આગળ નીકળી ગયો હતો અને બહુમતિના જાદૂઈ આંકને પણ સ્પર્શી લીધો હતો. જો કે બપોર થતાં થતાં તેના ઉમેદવારો પાછળ થતાં ગયા હતા અને ઓવૈસી તેમજ ચંદ્રશેખર રાવની પાર્ટીના ઉમેદવારો આગળ થતાં ગયા હતા. હૈદરાબાદની ચૂંટણીમાં ભાજપને ફાયદો જરૂર થયો છે. પક્ષે પાછલી વખત ચાર બેઠકો ઉપર જીત નોંધાવી હતી પરંતુ આ વખતે ભાજપે 30થી વધુ બેઠક ઉપર લીડ મેળવી લીધી છે. બીજી બાજુ પાછલી ચૂંટણીમાં 99 સીટ ઉપર જીત મેળવનારી ટીઆરએસ 70 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે. બીજી બાજુ ફરી એક વખત ઓવૈસીનો હૈદરાબાદમાં દબદબો જોવા મળી રહ્યો છે કેમ કે તેનો પક્ષ એઆઈએમઆઈએમ 45 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યો છે.હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે 70 બેઠકો ઉપર ટીઆરએસ, 45 બેઠકો ઉપર ઓવૈસીની પાર્ટી, 30 બેઠકો ઉપર ભાજપ અને 4 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.


Related News

Loading...
Advertisement