મુંબઈ : ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-1ના અધિકારીઓએ બુધવારે વડાલા ટ્રક ટર્મિનલ પાસે એક પતરાના શેડમાં ચોપીછુપી ઉભા કરાયેલા પેટ્રોલ પંપ પર છાપો મારીને 15,000 લિટર ડીઝલ જપ્ત કરવાની સાથે 3 જણની ધરપકડ કરી હતી. પેટ્રોલ અને ડીઝલના પમ્પ પર કાયદેસરનું વેચાણ કરતી વખતે ઘણી સાવધાની રાખવામાં આવે છે અને એ માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશનના કડક નિયમોનું પાલન કરવાનું હોય છે, પણ વડાલામાં ગેરકાયદે ડીઝલ વેચવા માટે એક પમ્પ ઉભો કરી દેવાયો હોવાનું ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને જાણવા મળ્યું હતું. વડાલા ટ્રક ટર્મિનલ પાસેના દશમેશ સર્વિસ સેન્ટરની પાછળ પતરાનો એક શેડ બનાવ્યો હતો, જેમાં સિમેન્ટના પાંચ બ્લોક્સ પર 15,000 લિટરની લોખંડની ટાંકી બેસાડાઈ હતી અને એની બાજુમાં 10,000 લિટરની સિન્થેટીક પ્લાસ્ટીકની ટાંકી બેસાડાઈ હતી એને લોખંડના પાઈપથી જોડીને પેટ્રોલ અને ડીઝલનું કાઉન્ટીંગ કરતા મોટરવાળા બ્રાઉઝર મશીન સાથે કનેક્ટ કરાઈ હતી અને બહુ જ વ્યવસ્થિત રીતે ડીઝલનું સરકારી ભાવ કરતાં ઓછા ભાવે વેચાણ કરવામાં આવતું હતું. આટલા મોટા સ્ટ્રક્ચર સાથે સિટી લિમિટમાં પમ્પ ઉભો કરાયો હોવા છતાં કેમ કોઇનું ધ્યાન ન ગયું એ જ એક આશ્ર્ચર્ય છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ રેશનિંગ ઓફીસરની હાજરીમાં ધાડ પાડીને એ ગેરકાયદે ચાલતો પમ્પ બંધ કર્યો હતો અને 15,000 લિટર ડીઝલ જપ્ત કર્યું હતું. આ મામલામાં 6 આરોપી સામે ગુનો નોંધીને 3 આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીઓને કોર્ટે 7 ડીસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.