ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારતો રવિન્દ્ર જાડેજા: રાહુલની પણ ફીફટી

04 December 2020 05:40 PM
Sports
  • ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારતો રવિન્દ્ર જાડેજા: રાહુલની પણ ફીફટી

કેનબરા તા.4
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનબરાના માનુકાઓવેલ ગ્રાઉન્ડ પર રમાઈ રહેલા પ્રથમ ટી20માં ટોસ હારીને બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની હાલત કફોડી થઈ જવા પામી હતી અને ટીમે 92 રનમાં જ પાંચ વિકેટ ગુમાવી દેતા કોહલીની સેના સસ્તામાં સમેટાઈ જશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ અણીના સમયે સંકટમોચકની ભૂમિકામાં ઉતરેલા રવિન્દ્ર જાડેજાએ 23 બોલમાં 44 રન ફટકારી દેતા ટીમ ઈન્ડિયા 20 ઓવરના અંતે 161 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી.

રવિન્દ્ર ઉપરાંત લોકેશ રાહુલે પણ 51 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત શિખર ધવન 1, વિરાટ કોહલી 9, સંજુ સેમસંગ 23, મનીષ પાંડે 2, હાર્દિક પંડયા 16 અને વોશિંગ્ટન સુંદર 7 રન બનાવી આઉટ થયા હતા. હાર્દિક પંડયાની વિકેટ ગઈ ત્યાં સુધીમાં ટીમ ઈન્ડિયાએ 16.5 ઓવરમાં 114 રન જ બનાવ્યા હતા. જો કે ક્રીઝ પર અડીખમ રવિન્દ્ર જાડેજાએ મેદાનની ચારે બાજુ ફટકા લગાવી 23 બોલમાં જ પાંચ ચોકકા અને 1 છગ્ગાની મદદથી 44 રન ઝુડી નાંખ્યા હતા. ઓસ્ટ્રેલિયા વતી બોલીંગમાં મિચેલ સ્ટાર્કે 4 ઓવરમાં 34 રન આપી બે વિકેટ, એડમ ઝામ્પા, મિચેલ, સ્વેપસને 1-1 અને મોઈસીસ હેન્ડીકેસે ત્રણ વિકેટ ખેડવી હતી.

એકંદરે ઓવેલનું ગ્રાઉન્ડ પ્રમાણમાં મોટુ હોવાથી ઓસ્ટ્રેલિયા માટે પણ 162 રન બનાવવા કપરા બની જશે તેવુ ક્રિકેટ નિષ્ણાંતોનું માનવું છે. ટીમ ઈન્ડિયાએ આજે જસપ્રીત બુમરાહને આરામ આપી તેના સ્થાને મોહમદ સામીને સ્થાન આપ્યુ છે. આ ઉપરાંત ટીમમાં વોશિંગ્ટન સુંદર, દીપક ચહર, સંજુ સેમસંગ અને મનીષ પાંડેને પણ રમાડવામાં આવ્યા છે. જયારે ટી.નટરાજનને તેના વન-ડે પ્રદર્શનનું ઈનામ મળ્યું હોય તેવી રીતે આજે ટી20માં પણ ડેબ્યુ કરાવવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement