નવી દિલ્હી, તા. 4
ભારતમાં કૃષિ કાયદા સામે ચાલતા ખેડૂત આંદોલન મુદ્દે વિધાન કરીને કિસાનોને સમર્થન આપનારા કેનેડાના વડાપ્રધાનના નિવેદનના વિવાદને પગલે ભારત સરકારે કેનેડાના રાજદુતને સમન્સ પાઠવ્યું છે. કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા કેનેડાના હાઇ કમિશનરને તેડુ મોકલવામાં આવ્યું છે. કેેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડેએ કરેલા વિધાનો માન્ય નથી અને ભારતની આંતરીક બાબતોમાં દખલગીરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવવામાં આવે છે કે કેનેડા દ્વારા આ પ્રકારનો વલણ યથાવત રાખવામાં આવશે તો બંને દેશો વચ્ચેના સંબંધોને અસર થઇ શકે છે. કેનેડાના વડાપ્રધાને ચાર દિવસ પહેલા ભારતમાં ચાલતા ખેડૂત આંદોલન સામે ચિંતા દર્શાવી હતી અને એમ કહ્યું હતું કે ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે કેનેડા શાંતિભર્યા વિરોધને સમર્થન આપે જ છે. કેનેડાના અન્ય પ્રધાનોએ પણ સમાન પ્રકારના વિધાનો કર્યા હતા. આ વિધાનો પછી વિદેશ મંત્રાલયે કેનેડાના નેતાઓની ઝાટકણી કાઢી હતી અને આજે કેનેડાના રાજદુતને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.