ગાંધીનગર તા.4
રાજ્યના શિક્ષકો દ્વારા 4200 ગ્રેડપે અને અન્ય વણ ઉકેલાયેલ પડતર પ્રશ્નો નું નિરાકરણ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી હોવા છતાંય કોઈ ઉકેલ નહીં આવતા આખરે શિક્ષકો લડી લેવાના મૂડમાં જણાતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા વચ્ચે તાત્કાલિક મહત્વની બેઠક આજે મળી હતી.
જેમાં શિક્ષકોના અલગ અલગ પડતર મુદ્દા ઉપરાંત 4200 ગ્રેડ પે મામલે સમિક્ષા કરી હતી. સૂત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ રાજ્યના સરકારી શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સરકાર વતી આ સમસ્યાનો ઉકેલ કરવામાં નહીં આવતા સરકારી શિક્ષકોએ લડતના મંડાણ શરૂ કરવાના એંધાણ વર્તાતા રાજ્ય સરકાર દોડતી થઇ ગઇ છે .
જેના પગલે શિક્ષકોના 4200 ગ્રેડ પે અને અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા માટે નીતીનભાઇ પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત શિક્ષણ વિભાગ ના અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરવામાં આવી હતી . ઉલ્લેખનીય છે કે આજે મળેલી આ મિટિંગની અંદર શિક્ષકોના 4200 પે ગ્રેડ મુદ્દે પણ વિશેષ ચર્ચા વિમર્શ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, જોકે 4200 પે ગ્રેડ મામલે શિક્ષકો દ્વારા આંદોલન ની કવાયત ને લઈ આ બેઠક આજે મળી હતી.
તો બીજી તરફ આગામી દિવસોમાં શિક્ષક સંઘો સાથે પણ સરકાર દ્વારા બેઠક કરવામાં આવશે. જોકે આ અગાઉ પણ શિક્ષણ સંઘો દ્વારા સરકાર ને રજુઆત કરવામાં આવી હતી, ત્યારે હવે શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગ વચ્ચે થયેલી આ બેઠક બાદ આગામી દિવસો મા તબક્કાવાર શિક્ષણ સંઘો સાથે પણ બેઠક કરવામાં આવશે અને ત્યારબાદ જ શિક્ષકોના 4200 ગ્રેડ પે ઉપરાંત સળગતા પ્રશ્નો ના ઉકેલની સરકાર તરફથી જાહેરાત થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.