ગાંધીનગર તા.4
ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અમદાવાદના નગરજનોના સુખાકારી માટે કુલ રૂ. 1078 કરોડના 21 પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને 51 વિકાસ કામોનું ઇ-ખાતમૂર્હુત કર્યું હતું. મુખ્યમંત્રી આ પ્રસંગે મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને નગરજનો માટે 72 વિવિધ વિકાસ કામોની ભેટ બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ આપી હતી.
આ પ્રસંગે ગાંધીનગર ખાતે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કોરાનાકાળમાં પણ અમદાવાદના શહેરજનો માટે અંદાજે રૂ. 2857 કરોડના વિકાસ કામોની ભેટ મુખ્યમંત્રીએ ભેટ આપી હતી. છેલ્લા 25 વર્ષમાં ભાજપની સરકારે અમદાવાદ શહેરની કાયાપલટ કરી : સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની વૈશ્વિક ઓળખ બની છે તેવુ સી.એમ.રૂપાણીએ જણાવેલ હતું.
તેઓએ ઉમેર્યુ હતું કે ઇંઝ ઓફ ડુંઇગ બિઝનેસની સાથે સાથે ઇંઝ ઓફ લિવિંગમાં પણ અમદાવાદ શહેર અગ્રેસર બન્યું છે. હેરિટેજ સિટીની ઓળખ ધરાવતા અમદાવાદે આધુનિક શહેરોમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. 36 કરોડના હાઉસીંગ પ્રોજેક્ટ, રૂ. 34 કરોડના વોટર પ્રોજેક્ટ, રૂ. 9 કરોડના ગાર્ડન પ્રોજેક્ટ, રૂ. 13 કરોડના બિલ્ડિંગ, અર્બન હેલ્થ સેન્ટર અને હોલ નવીનીકરણના કામોનું એમ કુલ રૂ. 92 કરોડના 21 પ્રજાલક્ષી કાર્યોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જ્યારે રૂ. 590 કરોડના હાઉસીંગ પ્રોજેક્ટ, રૂ. 133 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ, રૂ. 118 કરોડના બ્રિજ પ્રોજેક્ટ, રૂ. 70 કરોડના વોટર પ્રોજેક્ટ, રૂ. 46 કરોડના બિલ્ડીંગ પ્રોજેક્ટ, રૂ. 18 કરોડના જીમ્નેશીયમ, વાંચનાલય, હોલ, હેરિટેજ અને ઇકોલોજી પાર્કના કામો રૂ. 11 કરોડના રોડ પ્રોજેક્ટના કામોનું એમ કુલ રૂ. 986 કરોડના 51 પ્રજાલક્ષી કાર્યો ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેયર શ્રીમતી બિજલબેન પટેલે સ્વાગત પ્રવચન કરીને થનાર ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુતના વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી આપી હતી.