કૃષિ કાયદો રદ કરવા- કિસાનોના પ્રશ્ને કોંગ્રેસ-કિસાન સંઘના ધરણા; આઠની અટકાયત

04 December 2020 04:05 PM
Rajkot
  • કૃષિ કાયદો રદ કરવા- કિસાનોના પ્રશ્ને  કોંગ્રેસ-કિસાન સંઘના ધરણા; આઠની અટકાયત
  • કૃષિ કાયદો રદ કરવા- કિસાનોના પ્રશ્ને  કોંગ્રેસ-કિસાન સંઘના ધરણા; આઠની અટકાયત
  • કૃષિ કાયદો રદ કરવા- કિસાનોના પ્રશ્ને  કોંગ્રેસ-કિસાન સંઘના ધરણા; આઠની અટકાયત
  • કૃષિ કાયદો રદ કરવા- કિસાનોના પ્રશ્ને  કોંગ્રેસ-કિસાન સંઘના ધરણા; આઠની અટકાયત

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય કિસાન સંઘની જિલ્લા કલેકટર કચેરીએ ધબધબાટી; આવેદનપત્ર આપી રોષ પૂર્ણ રજુઆત:ભારતીય કિસાન સંઘના આઠ આગેવાનોની અટકાયત; કોંગ્રેસના નેતાઓ સાથે આવેદન પત્ર આપવાના મુદે પોલીસ સાથે જીભાજોડી; પોલીસના ધાડેધાડા

રાજકોટ તા.4
રાજકોટમાં જિલ્લા કલેકટર કચેરીએ આજે કૃષિ કાયદો રદ કરવા મુદે કોંગ્રેસ તેમજ કિસાનોના પડતર પ્રશ્ર્નોને લઈ ભારતીય કિસાન સંઘે રોષભેર ધરણા- સૂત્રોચ્ચાર કરી આવેદન પત્ર આપ્યા હતા. કોંગ્રેસના આગેવાનોને આવેદનપત્ર આપવાના મામલે પોલીસ સાથે ચકમક ઝરી હતી જયારે કિસાન સંઘના આગેવાનો કલેકટર કચેરીએ ધરણા કરતા પોલીસે 8 કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. કલેકટર કચેરીએ આજે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આવેદનપત્ર આપતાં જણાવ્યું હતું કે મોદી સરકારે કાળા કાયદા ઘડીને દેશના અન્નદાતા અને ભાગ્ય વિધાતા કિસાન અને ખેતમજુરોની કાળી મહેનત અને પરિશ્રમને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે રાખીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું એક ધૃણાસ્પદ ષડયંત્ર રચ્યું છે.


આ ત્રણ કૃષિ વિધેયકો પર મત વિભાજન માટે કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોની માંગણીને ધરાર ફગાવી દઈને મોદી સરકારે દેશના 62 કરોડ કિસાનો-ખેતમજુરોની જિંદગી સાથે સંકળાયેલા આ કાયદા પસાર કરાવી લેતા સમગ્ર દેશના કિસાનો, ખેતમજુરો, મંડીના દુકાનદારો, મંડીના શ્રમિકો, કર્મચારીઓ, નાના ટ્રાન્સપોર્ટર્સ સહિત કરોડો લોકોનો ઉગ્ર વિરોધ-વંટોળ ભભૂકી ઉઠયો છે.આજે દેશભરમાં 62 કરોડ કિસાનો, મજુરો અને 250થી વધુ કિસાન સગઠનો કાળા કાયદામાં પરિણમેલ ત્રણ વિધેયકો (1) કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક 2020, (2) કિસાન (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત બાંહેધરી અને કૃષિ સેવા પર કરાર વિધેયક-2020 અને (3) આવશ્યક ચીજવસ્તુઓ (સુધાર) વિધેયક-2020નો ચોમેરથી વાસ્તવિક આધારે વિરોધ કરી રહ્યા છે.


આ ત્રણેય વિધેયકો દેશના સંઘીય માળખા પર સીધા પ્રહાર સમાન છે.કૃષિ અને બજારો બંધારણના 7માં શેડયુલ હેઠળ રાજય સરકારોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. પરંતુ મોદી સરકારે આ મુદે રાજય સરકારોને વિશ્ર્વાસમાં લેવાનું મુનાસીબ માન્યું નથી. આમ આ પગલું સંવૈધાનિક જોગવાઈના બેફામ ઉલ્લંઘન સમાન છે. અન્નદાતા ખેડૂતો અને ખેતમજૂરો મહામારીની આડમાં ખેડુતોની આપતિઓને મુઠ્ઠીભર મૂડીપતિઓ માટે ‘અવસર’ માં પલટી નાખવાની મોદી સરકારની આ ધૃણાસ્પદ સાજિશને કયારેય ભુલશે નહીં.


ભારતીય કિસાન સંઘ
ઘણા સમયથી ભારતીય કિસાન સંઘની માંગણી છે એમએસપી નીચે ખેડૂતોના કોઈપણ માલનું વેચાણ થવું જોઈએ નહીં, વારંવાર માંગણી કરવા છતાં સરકાર આના ઉપર કોઈપણ પ્રકારના પગલાં લીધા નથી. તે બાબત ખેડૂતો માટે બહુ નિરાશાજનક કહેવાય. દરેક જિલ્લાની અંતર કૃષિ ન્યાયાલયની અલગ વ્યવસ્થા કરવી જોઈએ. જેથી કરીને ખેડૂતોને તાત્કાલીક ન્યાય મળે.આપણા આ ખેતીપ્રધાન દેશમાં 60થી70% લોકો ખેતી અને ખેતપેદાશની સાથે સંકળાયેલ છે. જેઓનો અર્થતંત્રની અંદર સિંહ ફાળો છે. આપના દેશના ખેડૂતોમાં તાકાત છે કે દેશને જરૂર પડે તેવું દરેક પ્રકારનું ધાન પેદા કરી આપવાની, છતાં પણ આ સરકારને વિદેશથી મંગાવવાનું મન કેમ થાય છે? બટેટા વિદેશથી મંગાવે છે. ડુંગળી વિદેશથી મંગાવે છે. પામ ઓઈલ ડયુટી ઘટાડી છે. જયાં સુધી આ ખાદ્ય પદાર્થની આયાત કરવામાં આવશે ત્યાં સુધી આ દેશનો ખેડૂત કયારેય પણ સુખી નહીં થાય.


ટુંક સમયમાં અમારી માંગણી સંતોષવામાં આવે તેવી ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, પી.વી.મણવર, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, રમેશભાઈ હાપલીયા, મનોજ ડોબરીયા, મહીપાલસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોરઠીયા, માધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, શૈલેષભાઈ સીદસરા, અશોકભાઈ મોલીયા, ભુપતભાઈ કાકડીયા, ભાવેશભાઈ રૈયાણી, દીપકભાઈ લીંબાસીયા, ઠાકરશીભાઈ પીપળીયા, કિશોરભાઈ લકકડ, વિઠલભાઈ બાલધા, વિનુભાઈ દેસાઈ, કાળુભાઈ ચાવડા, ઝાલાભાઈ ઝાપડીયા, વિપુલભાઈ સુદાણી, ભરતભાઈ પાંભર, જમનભાઈ પાગડા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતો/પશુપાલકોની માંગણી છે. તે પુર્ણ કરવામાં નહી આવે તો મજબૂરન ભારતીય કિસાન સંઘને આંદોલનના માર્ગે જવું પડશે.


Related News

Loading...
Advertisement