નવી દિલ્હી તા.4
ઉતરાખંડના પિથૌરાગઢ અને ઓરીસ્સાના મયુરગંજ પાસે આજે વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રીકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 2.6 અને 3.9 નોંધાઈ હતી. જો કે ભૂકંપને કારણે કોઈ પ્રકારની જાનહાની કે માલ-મીલ્કતને નુકશાન ગયાના અહેવાલો નથી. રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના જણાવ્યા મુજબ ઓરીસ્સાના મયુરગંજમાં 3.9નો આંચકો મોડીરાત્રે 2.13 વાગ્યે આવ્યો હતો. જયારે નેપાળની સીમા સાથે જોડાયેલા ઉતરાખંડના પિથૌરાગઢમાં મોડીરાત્રે 3.10 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ બન્ને રાજયોમાં અત્યારે કડકડતી ઠંડી પડી રહી છે તેવામાં મોડીરાત્રે ભૂકંપના આંચકા આવતા મીઠી નિંદ્રા માણી રહેલા લોકો ભયના માર્યા ઘર બહાર દોડી રહ્યા હતાં.