ખેડૂત વિરોધી કાળા કાયદા સામે હલ્લાબોલ : કોંગ્રેસ દ્વારા જિલ્લા મથકો પર કલેકટરને આવેદનપત્ર

04 December 2020 12:32 PM
Gujarat
  • ખેડૂત વિરોધી કાળા કાયદા સામે હલ્લાબોલ : કોંગ્રેસ દ્વારા જિલ્લા મથકો પર કલેકટરને આવેદનપત્ર

કિસાનોના હક્કો પર તરાપ મારતા કાયદા સામે દેશભરમાં રોષની આંધી : લડતના સમર્થનમાં આગળ આવતા ખેડૂતો

રાજકોટ તા.4
ખેડૂત વિરોધી કાળા કાયદા સામે દેશભરમાં લડતના મંડાણ થયા છે. આ કાયદાને રદ કરવાની માંગણી સામે નવી દિલ્હી ખાતે પંજાબ, હરિયાણા, સહિતના રાજયોના ખેડૂતોએ ઉમટી પડી ચક્કાજામ સાથે આંદોલન ચલાવી રહ્યા છે.
આ કાળા કાયદાને રદ કરવાની માંગણી સાથે રાજકોટ સહિત રાજયભરમાં કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરી જિલ્લા મથકો પર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતાં.
અહીં એ ઉલ્લેખનીય છે કે આ કાળા કાયદા સામે હજારો ખેડૂતો ન્યુ દિલ્હીમાં રોડ પર ઉતરી બાયો ચડાવતાં કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા ગઇકાલે તાબડતોબ બેઠક આયોજીત કરવામાં આવી હતી. પરંતુ કોઇપણ જાતની ફળશ્રુતી વગર જ આ બેઠક પૂર્ણ થયેલ હતી. હવે આવતીકાલે ફરી કેન્દ્રીય કૃષિમંત્રી સાથે ખેડૂત આગેવાનોની બેઠક યોજવામાં આવેલ છે.
ખેડૂત વિરોધી કાળા કાયદાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે રાજયભરમાં તમામ જિલ્લા મથકો પર કલેકટરને આવેદનપત્ર પાઠવી હલ્લા બોલ કરવામાં આવેલ હતું. આ કાયદાને ખેડૂતોના અધિકારો પર તરાપ મારવા સમાન ગણાવવામાં આવી રહ્યો છે. આંદોલનના સમર્થનમાં દેશભરમાંથી ખેડૂતો આગળ આવી રહ્યાં છે.
જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલ સમગ્ર ગુજરાતમાં કાળા કાયદા વિરૂઘ્ધ હલ્લાબોલ કરવાનાં ભાગરૂપે દરેક જિલ્લા મથકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે.
જેમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં પાટણ ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે તો અમરેલી ખાતે પણ જિલ્લા કોંગ્રેસ પરિવાર ઘ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે. સમગ્ર રાજયનાં ખેડૂતોને કાળા કાયદા વિરૂઘ્ધ આગળ આવવા વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અનુરોધ કર્યો છે.


Related News

Loading...
Advertisement