અમદાવાદ, તા.4
2020ની ગણતરીએ નોંધાયેલા ગીરના એશિયાટીક 674 સિંહ પૈકી એક મોટો હિસ્સો રાજ્યમાં જુદા જુદા શહેરોમાં આવેલા પ્રાણી સંગ્રાહલયોમાં કેદ થયેલો છે.
રાજ્ય વન તંત્રના આંકડા મુજબ 100થી વધુ સિંહ જુદા જુદા ઝૂમાં રહેલા છે. સૌરાષ્ટ્રના જુનાગઢ સહિતના ઝૂમાં તેની સંખ્યા વધુ છે. કુલ સંખ્યાના 15 ટકા વનરાજ આ રીતે પાંજરા પાછળ રાખવામાં આવેલ છે. 115 પૈકી 85 સિંહ તો માત્ર જૂનાગઢના શક્કર બાગ ઝૂમા હોવાનો રિપોર્ટ છે.
આ સિવાય શારિરીક તકલીફોના કારણે જંગલ બહાર રાખવામાં આવેલા સાવજોની સંખ્યા કદાચ વધુ હોઇ શકે છે. તેનો આ આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. 3 મહિના અગાઉ 3 સિંહને શક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવ્યા હતા. તેની માતા આ ઝૂમાં રહે છે. એક બાળ સિંહનું અવસાન પણ થયું હતું. 2018થી જુદી-જુદી બિમારીના કારણે 30 સિંહને પાંજરા પાછળ ઓર્બ્જવેશનમાં મોકલવામાં આવ્યા હતાં. વાઇરસની અસરના કારણે આવું કરવું પડ્યું હતું.
આ પૈકી અમુક સિંહના મૃત્યુ થયા હતા. વનની બહાર સાવજોને રાખવાની અને સાચવવાની પદ્ધતિમાં પણ સુધારો જરૂરી હોવાનું સૂચન અગાઉ થયું હતું. જંગલના સાવજોને જંગલમાં જ રાખવાની વ્યવસ્થા કરવી જોઇએ. સારવારથી માંડી વેક્સિનની વ્યવસ્થા પણ તેમના કુદરતી ઘરમાં જ થવી જોઇએ તેવો અભિપ્રાય પણ અગાઉ આપવામાં આવ્યો હતો.