નવી દિલ્હી તા.4
કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે પણ રસપ્રદ બાબત એ છે કે કોરેનાથીયે ખતરનાક બીમારી મેલેરીયા સાબીત થઈ છે, કોરોના વાઈરસ કરતા મચ્છર વધુ ભયાનક સાબીત થયું છે. કોરાનાથી જેટલા મૃત્યુ થયા છે તેનાથી વધારે મોત મચ્છર કરડવાથી થયેલી મેલેરિયાની બીમારીથી થઈ છે.
ડબલ્યુએચઓના તાજેતરના રિપોર્ટમાં આ આકલન કરવામાં આવ્યું છે. ડબલ્યુએચઓ મેલેરિયાને લઈને જાહેર કરાયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2019માં 4 લાખથી વધારે લોકો મેલેરિયાથી માર્યા ગયા હતા. તેમાં સૌથી વધુ બાળકો હતા જે આફ્રિકાના સૌથી ગરીબ ભાગોમાં રહેનારા હતા. ડબલ્યુએચઓએ આશંકા વ્યક્ત કરી હતી કે આ વર્ષે પણ આ આંકડો વધી શકે છે.
સંગઠનના મેલેરીયા કાર્યક્રમના નિર્દેશક પેડ્રો આલ્સોન્સોએ જણાવ્યું હતું કે આફ્રિકાના સબ-સહારન વિસ્તારોમાં 20 હજારથી એક લાખ લોકો માત્ર મેલેરીયાને કારણે માર્યા ગયા હતા. તેમાં સૌથી વધુ સંખ્યા 6થી10 વર્ષના બાળકોની હતી. જયારે આ વિસ્તારમાં કોરોનાથી ઓછી મોત થઈ છે.
અલોન્સોઅ જણાવ્યું હતું કે મચ્છરોથી થતી બીમારીઓથી બચવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ કોરોનાને લઈને ઘણા મહિના સુધી અન્ય બીમારીઓની વેકસીન અને દવાઓના પુરવઠાના વિતરણમાં મોડું થયું હતું. આ કારણે મચ્છરોથી ફેલાતી બીમારીઓએ લોકોના જીવ લઈ લીધા.
રિપોર્ટમાં એવી પણ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે વર્ષ 2019માં વૈશ્ર્વિક સ્તરે મેલેરિયાના અધધધ 20 કરોડ 29 લાખથી વધારે કેસ આવ્યા હતા. ડબલ્યુએચઓએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના અભૂતપૂર્વ પડકારો છતાં, દુનિયાભરના અનેક દેશોએ તેનો સામનો કર્યો છે અને બીમારી રોકવામાં સફળ રહ્યા છે.
મેલેરીયાને નાથવામાં ભારતને મોટી સફળતા
ભારતમાં આ મામલે રાહતના સમાચાર છે. ભારતમાં મચ્છરજન્ય બીમારીમાં 73 ટકા ઘટાડો થયો છે. ડબલ્યુએચઓના મહાનિર્દેશક ગેબ્રિયાસિસના અનુસાર ભારતમાં મેલેરિયાના કેસમાં સૌથી વધુ ઘટાડો થયો છે. વર્ષ 2000માં જયાં 2.3 કરોડ કેસ હતા તે 2019માં 63 લાખ રહ્યા હતા. ભારતમાં મેલેરિયાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. જયાં વર્ષ 2020માં 29500 દર્દીના મોત થયા હતા ત્યારે ગત વર્ષ આ સંખ્યા 7700 હતી.