નવી દિલ્હી તા.4
વાવાઝોડા ‘બુરેવી’ આજે નબળું પડી તામિલનાડુમાંથી પસાર થશે અને તેના પગલે દ.તામિલનાડુ તથા દ.કેરળમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.‘મેટ’ કચેરીએ અગાઉ બુધવારે શ્રીલંકાથી પસાર થયેલું વાવાઝોડું તામિલનાડુ સાથે ટકરાશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. હવે તામિલનાડુ તથા પુડુચેરીમાં ભારે વરસાદ થવા સંભાવના ચે. એનડીઆરએફની ટીમો બચાવકાર્ય માટે તૈયાર રખાઈ છે. ક્ધયાકુમારી, તિરૂનેલવેલી, થુથુકુડી, તેનકાસી, શિવગંગા, રામનાથપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, થીરૂવનંથપુરમમાં રેડ એલર્ટ છે.
ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે કેરળ અને તામિલનાડુના મુખ્યપ્રધાનો સાથે વાત કરી હતી. વાયુ સેના અને નૌકાદળને પણ સાબદા કરાયા છે. રાહત કેમ્પમાં સ્થળાંતર ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બુધવારે રાજય સરકારો સાથે વાત કરી હતી. તામિલનાડુના મદુરાઈ એરપોર્ટ પર આજે રાત્રી સુધી હવાઈ સેવાઓ બંધ રાખી દેવામાં આવી છે. પુડુચેરીમાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ છે. કેરળ અને પુડુચેરીમાં આજે રજા જાહેર કરાઈ છે.