નવી દિલ્હી, તા.4
પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી હૈદરાબાદ મહાપાલિકાની ચૂંટણીમાં મોટો ઉલટફેર કરવામાં ભાજપ સફળ થયું છે. ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં જ ભાજપનું રોલરકોસ્ટર ફરી વળ્યું હોય તે રીતે 70 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ લીડ મેળવી લીધી છે. એકંદરે આ ચૂંટણીમાં ભાજપનું કમળ સોળે કળાએ ખીલી ઉઠયું છે. બીજી બાજુ હૈદરાબાદ જેનો ગઢ ગણાય છે તે અસદુદ્દીન ઓવૈસી અને મુખ્યમંત્રી ચંદ્રશેખરના પક્ષનો રકાસ થઇ રહેલો દેખાઇ રહ્યો છે. હાલ આ લખાઇ રહ્યું છે ત્યારે ભાજપ 70 બેઠકો ઉપર, મુખ્યમંત્રી ચંદ્રશેખરનો ટીઆરએસ પક્ષ 32 બેઠકો પર અને ઓવૈસીનો પક્ષ માત્ર 12 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
આ પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવી દીધું હતું. પરંતુ ઓવૈસીના ગઢમાં ગાબડુ પાડવા માટે ભાજપે પહેલી વખત કોઇ મહાપાલિકાની ચૂંટણીમાં રાષ્ટ્રીય ચૂંટણીની જેમ દમ લગાવી દીધો હતો. ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ઉ.પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. બીજી બાજુ ઓવૈસી અને ચંદ્રશેખર રાવે પણ ભાજપને અટકાવવા માટે તાકાત કરી હતી. પરંતુ પરિણામો જોતા તેમાં સફળતા મળી હોય તેવું લાગી રહ્યું નથી.
દરમિયાન ટીઆરએસના નેતા કવિતાએ કહ્યું કે અમે 100થી વધુ સીટો જીતવા જઇ રહ્યા છીએ. ભાજપના અનેક મોટા નેતાઓએ ચૂંટણી પ્રચારમાં ખોટા દાવા કર્યા હતા. પરંતુ હું ખુશ છું કે હૈદરાબાદના લોકોએ તેના પર ભરોસો નહીં કરીને ટીઆરએસના નેતૃત્વ ઉપર ભરોસો મુક્યો છે.