રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ધુમ્મસ સાથે સામાન્ય ઠંડીનો અનુભવ

04 December 2020 10:55 AM
Rajkot Saurashtra
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સવારે ધુમ્મસ સાથે સામાન્ય ઠંડીનો અનુભવ

મોટાભાગનાં સ્થળોએ 14 થી ર0 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ

રાજકોટ તા. 4
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સવારે ઠંડી સામાન્ય રહેવા પામી હતી. કચ્છનાં નલીયા ખાતે ગઇકાલે તાપમાનનો પારો ગગડયા બાદ આજે ફરી તાપમાનનો પારો ઉંચે ચડતા નલીયામાં માત્ર ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.


આજે સવારે હવામાં ભેજ વધુ રહેતા અનેક સ્થળોએ ધુમ્મસ પણ છવાયુ હતુ. ખંભાળીયા સહીત દેવભુમી દ્વારકા જિલ્લામાં આજરોજ સવારે ઝાકળછાંયુ વાતાવરણ સર્જાયુ હતુ. ખંભાળીયા પંથકમાં આજે સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. જેના પગલે નોંધપાત્ર ઠંડીનો માહોલ પ્રસરી ગયો હતો. શિયાળાની પ્રથમ અને નોંધપાત્ર આ ઝાકળના કારણે ખાસ કરીને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. હાઇવે પર દસ ફુટ દુર પણ જોઇ શકાતુ ન હતુ. જોકે બપોરે ઠંડીની માત્રા મહદ અંશે ઓછી થઇ ગઇ હતી.


દરમ્યાન આજે સવારે નલીયા ખાતે લઘુતમ તાપમાન 14.3 ડીગ્રી નોંધાયુ હતુ. આથી ઠંડીની તીવ્રતા ઘટી જવા પામી હતી. દરમ્યાન નલીયા ખાતે હવામાં ભેજ 84 ટકા રહેતા સવારે ધુમ્મસની ચાદર છવાઇ હતી.રાજકોટ-કેશોદ-દ્વારકા-ઓખામાં પણ સવારે ભેજ વધુ રહેતા ધુમ્મસ છવાયુ હતુ.


રાજકોટમાં આજે સવારે લઘુતમ તાપમાન 1પ.4 ડીગ્રી હતુ. તેમજ અમદાવાદ ખાતે 1પ.9, ડીસામાં 1પ.4, વડોદરામાં 1પ, સુરતમાં 18.ર, કેશોદમાં 14.પ, ભાવનગરમાં 17.9, પોરબંદરમાં 17.ર, વેરાવળમાં 19.8, દ્વારકામાં ર0.8, ઓખામાં રર.6, ભુજમાં 17.ર, સુરેન્દ્રનગરમાં 16.9, અમરેલીમાં 1પ અને ગાંધીનગરમાં 13 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ.


Related News

Loading...
Advertisement