14-15 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કચ્છમાં : સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

04 December 2020 10:52 AM
kutch Gujarat
  • 14-15 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી કચ્છમાં : સોલાર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાન કચ્છ આવતા હોય વહિવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ

ભૂજ તા.4
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.14 અને 15 ડિસેમ્બરના રોજ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે.તેઓ સરહદી ખાવડા નજીક આકાર પામનારા સોલાર પ્લાન્ટ અને માંડવીમાં સમુદ્રના પાણીને પીવા લાયક બનાવતા ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.


આ અંગે મળતી વિગતો અનુસાર પ્રધાન સેવક નરેન્દ્ર મોદી બે દિવસ માટે કચ્છના મહેમાન બનશે. તા.14-12ના વિશ્વ વિખ્યાત ધોરડોની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે અને 15મી ડિસેમ્બર,મંગળવારના દિવસે ખાવડામાં આકાર પામનારા એશિયાના સૌથી મોટા 30 હજાર મેગા વોટના રિન્યૂએબલ એનર્જી પાર્ક અને માંડવીમાં પીવાના પાણી અને ઉદ્યોગો માટે ઉપયોગી ડિસેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે.
ધોરડો કાર્યક્રમ બાદ માંડવી જશે કે, ધોરડોથી જ માંડવીના પ્લાન્ટનું ઇ-ખાતમુહૂર્ત કરશે કે કેમ તે અંગે હજુ સુધી તંત્ર દ્વારા સતાવાર માહિતી આપવામાં આવી નથી. સંભવત તારીખો જાહેર થવાની સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓનો દોર આરંભી દેવામાં આવ્યો છે.


આ અંગે નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન તા.15ના ખાવડા, માંડવી ખાતેના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે તેવી સંભવિત જાહેરાતના પગલે તંત્ર દ્વારા તૈયારીઓનો દોર આરંભી દેવાયો છે.


તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમ યોજાયો હતો ત્યાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાશે. જેને લઇને ગુરૂવારે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરો સાથે કાર્યક્રમના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. ઝાલાએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલે માત્ર સંભવિત તા.15ના કાર્યક્રમ યોજાશે, તેવી જાહેરાત કરાઇ છે પરંતુ સત્તાવાર કાર્યક્રમ આવ્યા બાદ તૈયારીઓનો ધમધમાટ શરૂ દેવાશે.


અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળમાં 70થી વધારે વખત કચ્છ આવી ચૂકયા હતાં. ત્યારબાદ વડાપ્રધાન બન્યા બાદ પણ તેઓ ચાર વખત કચ્છ આવી ચૂક્યા છે. વર્ષ 2015માં ધોરડો ખાતે ડીજી કોન્ફરન્સમાં તેઓ કચ્છ આવ્યા હતાં. ત્યારબાદ તેઓ મે 2017માં ગાંધીધામ ખાતે આવી કંડલા પોર્ટના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા એ જ દિવસે ભચાઉના લોધેશ્વર ખાતે નર્મદાના પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.


2017ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરતા પહેલા નવેમ્બરમાં તેઓ માતાનામઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતાં અને ભુજમાં જાહેરસભા સંબોધી હતી. છેલ્લે મોદી સપ્ટેમ્બર 2018ના અંજારના સત્તાપર ખાતે ગોવર્ધન ટેકરી ખાતે જાહેરસભા સંબોધવાની સાથે વિવિધ કામોને સમર્પિત કર્યા હતાં.


Related News

Loading...
Advertisement