નવી દિલ્હી, તા.3
આજે ગુરુવારે ફરી ખેડૂત પ્રતિનિધિ અને સરકાર વચ્ચે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચોથા તબક્કાની બેઠક મળી હતી. કેન્દ્ર સરકારના મંત્રીઓ અને 40 ખેડૂત નેતાઓ વચ્ચે કૃષિ કાયદા અંગે સાત કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઈ હતી. બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ખેડૂત નેતાઓને ખાતરી આપી હતી કે મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી)ને કોઈ હાથ નહિ લગાવે. તેની સાથે ચેડા કરવામાં નહીં આવે. તે આજે પણ છે અને ચાલુ જ રહેશે.
કૃષિપ્રધાને જણાવ્યું હતું કે, માત્ર પાનકાર્ડના આધારે ખાનગી મંડળીઓમાં વેપાર ન કરે, વેપારીઓની નોંધણી ફરજીયાત થાય તે નિશ્ચિત કરવામાં આવશે. નવા કાયદા મુજબ વિવાદની સ્થિતિમાં એસડીએમ કોર્ટમાં જવાની પણ વાત છે. પરંતુ ખેડૂતો તેને વિવાદને સીધા કોર્ટમાં લઈ જવાની માંગ કરી રહ્યા છે. જે માંગણીને પણ ધ્યાને લેવામાં આવી છે.
કૃષિપ્રધાને ફરી એક વાર કહ્યું કે, ખેડૂતોની જમીન અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, સરકાર આ ભ્રમને દૂર કરવા પણ કામ કરશે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ. તા.5 ડિસેમ્બરના રોજ બપોરે બે વાગ્યે સરકાર યુનિયન સાથે ફરીથી બેઠક કરશે અને અમે અંતિમ નિર્ણય પર પહોંચીશું.
જો કે, ખેડૂતો તેમની માંગ પર અડગ રહ્યા અને સરકારને કાયદો નાબૂદ કરવા અને તેને રદ કરવા માટે વિશેષ સંસદ સત્ર બોલાવવા કહ્યું. ખેડુતો સરકારથી એટલા બેચેન થઈ ગયા હતા કે, બપોરના ત્રણ વાગ્યે તેઓએ સરકારી ભોજન લેવાની ના પાડી અને જમીન પર બેસી ગુરુદ્વારાથી લાવવામાં આવેલું ભોજન જમ્યા હતા. બેઠક બાદ બહાર આવેલા ભારતીય કિસાન સંઘના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, સરકારે એમએસપીને લઈ સંકેત આપ્યા છે. સરકાર બીલોમાં સુધારો કરવા માંગે છે. આજે વાત આગળ વધી છે. પણ આંદોલન ચાલુ રહેશે. 5 ડિસેમ્બરે ફરી બેઠક યોજાશે.