નવી દિલ્હી, તા. 3
આજે ધનવાન મહિલાઓની યાદી જાહેર કરતો એક રીપોર્ટ પ્રસિદ્ધ થયો જેમાં એલેમ્બીક ફાર્માના મલિકા ચિરાયુ અમીન ગુજરાતના સૌથી ધનીક મહિલા હોવાનું જાહેર થયું છે. તો દેશમાં સૌથી વધુ સંપતિ ધરાવતા મહિલાઓમાં રોશની નાડરનું નામ પ્રથમ ક્રમાંકે છે.
એચસીએલ ટેકનોલોજીસના ચેરપર્સન 38 વર્ષીય રોશની નાડર મલ્હોત્રા પાસે 54.8 હજાર કરોડની સંપતિ છે. કોટક વેલ્થના સંયોગથી હુરૂન ઇન્ડીયાએ એક અભ્યાસ કર્યો હતો અને દેશની 100 સૌથી ધનવાન મહિલાઓની યાદી તૈયાર કરી હતી. આ અહેવાલમાં કહેવાયું છે કે લીસ્ટમાં સામેલ તમામ મહિલાઓની કુલ સંપતિ 2.72 લાખ કરોડ રૂપિયા છે. આ યાદીમાં ગુજરાતની ત્રણ મહિલાઓનો સમાવેશ થયો છે. જેમાં 7570 કરોડની સંપતિ સાથે એલેમ્બીક ફાર્માસ્યુટીકલના મલિકા ચિરાયુ અમીન પ્રથમ સ્થાને છે. જ્યારે એલ્ટ્રલ પોલી ટેકનીકના જાગૃતિ એન્જીનીયર રૂા.1540 કરોડની સંપતિ સાથે બીજા ક્રમે અને ગોપાલ સ્નેકસના દક્ષાબેન હદવાણી રૂા.180 કરોડની સંપતિ સાથે ગુજરાતમાં ત્રીજા સ્થાને છે.
દેશની યાદી મુજબ 36.6 હજાર કરોડની સંપતિ સાથે કિરણ મજુમદાર બીજા ક્રમે છે. આ લીસ્ટમાં સમાવાયેલી 38 મહિલાઓ પાસે 1000 કરોડ કે તેનાથી વધુની સંપતિ છે. રીપોર્ટમાં જણાવાયું છે કે આ મહિલાઓની ઉંમર સરેરાશ પ3 વર્ષ છે. રોશની નાડર ર8 વર્ષની ઉંમરે એચસીએલ કોર્પોરેશનના સીઇઓ બન્યા હતા હાલ તેઓ એચસીએલ ટેકનોલોજીસના બોર્ડના વાઇસ ચેરપર્સન છે.