ઇટાલીના 101 વર્ષના દાદીમાએ કોરોનાને ત્રણવાર હરાવ્યો

03 December 2020 09:54 PM
India World
  • ઇટાલીના 101 વર્ષના દાદીમાએ કોરોનાને ત્રણવાર હરાવ્યો

ડોકટરોએ કહ્યું 'આ ઉંમરે આટલા ઝડપથી સાજા થતા કોઇને જોયા નથી'

રોમ:
વિશ્ર્વભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, લોકોમાં વાયરસને લઇ ફફડાટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે ઇટાલીથી ખુબ જ રસપ્રદ સમાચાર મળ્યા છે. ત્યાં રહેતા 101 વર્ષના દાદીમાએ કોરોનાને ત્રણવાર હરાવ્યો છે. આ દાદીમાની સારવાર કરતા ડોકટરો પણ બોલી ઉઠયા હતા કે આ ઉંમરે આટલા ઝડપથી સાજા થતા કોઇ દર્દીને અમે જોયા નથી.

ઇટાલીના 101 વર્ષીય વૃદ્ધા મારીયા ઓરસીઘેરનું નામ કોરોના વોરીયર્સ તરીકે નોંધાયું છે. આ મહામારી શરૂ થઇ ત્યારથી 9 મહિનામાં આ વૃદ્ધા ત્રણ વખત કોરોના સંક્રમિત થયા છે. છતાં દરેક વખતે મારીયાએ આ ખતરનાક વાયરસને મ્હાત આપી તબીબોને પણ ચોંકાવી દીધા છે. મારીયા ફેબ્રુઆરીમાં પ્રથમ વખત કોરોના સંક્રમિત થયા હતા.

મારીયાના દિકરી કાર્લાએ જણાવ્યું હતું કે તેમના માતા પ્રથમ વખત સંક્રમિત થયા ત્યારે સોન્ડાલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે સમય એવો હતો જ્યારે વૃદ્ધ લોકો આ વાયરસ સામે ટકી શકતા ન હતા અને મોતને ભેટતા હતા. કાર્લાએ કહ્યું કે અમે તે સમયે ખુબ ડરી ગયા હતા. જોકે તેમના માતા ફરી સ્વસ્થ થયા હતા.

તબીબોના જણાવ્યા મુજબ મારીયા એટલા સ્વસ્થ છે કે તેમને શ્ર્વાસ લેવા માટે અન્ય કોઇ મેડીકલ સાધનની જરૂર પડતી ન હતી. તેઓ બીજીવાર સપ્ટેમ્બરમાં અને ત્રીજીવાર નવેમ્બરમાં કોરોના સંક્રમીત થયા હતા. જુલાઇ માસમાં જ તેમને પોતાનો 101મો જન્મદિવસ ઉજવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઘણા લોકો કોરોના વાયરસને લઇ ગભરાયેલા જોવા મળે છે. પરંતુ અનેક વયોવૃદ્ધ લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે. ભારતનો જ દાખલો લઇએ તો કેરળના અલ્લુવામાં રહેતા 103 વર્ષના પુરાક્કાટ વેટ્ટીલ પારીદે ઓગષ્ટ મહિનામાં કોરોનાને હરાવ્યો હતો. જ્યારે મહારાષ્ટ્રના 106 વર્ષીય આનંદીબાઇ પાટીલે સપ્ટેમ્બરમાં આ ખતરનાક વાયરસને મ્હાત આપી સ્વસ્થ થઇ હોસ્પિટલેથી ઘરે પરત ફર્યા હતા.


Related News

Loading...
Advertisement