(વિપુલ હિરાણી)
ભાવનગર તા.૩
ભાવનગરમાં આજે ૨૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ કેસોની સંખ્યા ૫,૨૮૦ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગરના બુધેલ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણાના ખાખરીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, વલ્લભીપુરના પીપળી ગામ ખાતે ૧, વલ્લભીપુરના કલ્યાણપુર ગામ ખાતે ૧ તથા ગારીયાધારના શિવેન્દ્રનગર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૭ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૮ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ, જિલ્લામાં નોંધાયેલા ૫,૨૮૦ કેસ પૈકી હાલ ૭૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૫,૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તેમજ જિલ્લામાં ૬૯ દર્દીના મોત થઈ ચૂક્યા છે.