મહિકાની ગોકુલનગર હાઉસીંગ સોસા.ના સભાસદો સાથે પ્લોટ ફાળવણીને લઇ વિશ્વાસઘાત થયાનો આક્ષેપ

03 December 2020 07:09 PM
Rajkot Crime
  • મહિકાની ગોકુલનગર હાઉસીંગ સોસા.ના સભાસદો સાથે પ્લોટ ફાળવણીને લઇ વિશ્વાસઘાત થયાનો આક્ષેપ

કૌભાંડ કરી જમીન બારોબાર વેચી નખાઇ, જૂના સભાસદોને કાઢી નવા સભ્યો ઉભા કરાયા: કરણાભાઇ માલધારી અને તેના ભાઇ સામે ફરિયાદ નોંધવા પોલીસને રજૂઆત

રાજકોટ તા.3
વર્ષ 1986-87માં માન્ય થયેલી મહિકાની ન્યુ ગોકુલનગર કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદોએ પ્લોટ ફાળવણીમાં થયેલા વિશ્ર્વાસઘાત અંગે ફરિયાદ નોંધવા આજીડેમ પોલીસ મથકના પીઆઇને રજૂઆત કરવામાં આવી છે.
આ રજૂઆતમાં સભાસદો પ્રવિણભાઇ સોમજીભાઇ સોરાણી, પ્રકાશ ભલસોડ, અશ્ર્વિન બાબુભાઇ કમાણી, નીતિન ખોડાભાઇ હાપલીયા વગેરેએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ન્યુ. ગોકુલ નગર કો.ઓ.હાઉસીંગ સોસાયટીની રચના થઇ તે સમયે 85 સભાસદોની નોંધણી કરવામાં આવી હતી અને વર્ષ 1999માં મહિકા ખાતે હસનખલી ખાનભાઇ અને તેના ભાગીદારો પાસેથી જમીન ખરીદ કરવામાં આવી હતી. જેમાં તમામ સભાસદોએ ભાગે પડતી રકમ ચુકવી હતી. સોસાયટીને માન્યતા મળ્યા બાદ સૂચિત અંગેની ફાઇલો તમામ સભાસદોને સોંપવામાં આવી હતી. જો કે યેનકેન પ્રકારે પ્લોટની ફાળવણી થઇ નહોતી. ત્યારબાદ 2004માં સોસાયટીના પ્રમુખ કરણાભાઇ બાવાભાઇ માલધારી અને તેમના પત્ની કે જેઓ મંત્રી હતા તેમજ તેમનાભાઇ હિરાભાઇ સિંધવ (માલધારી)એ ખોટા ઠરાવ કરી જૂના સભ્યોને કાઢી નવા સભ્યો ઉમેર્યા હતાં અને આમ કરોડોની કિંમતની 47014 ચો.વાર. જમીનને લઇ કૌભાંડ કરવામાં આવ્યું હતું. બાદમાં મંડળીની માન્યતા રદ કરી નાણાકીય ગેરરીતિ અને ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો છે. ત્યારબાદ આ જમીન પર ગોકુલ બંગ્લોઝ નામનો બાંધકામ પ્રોજેકટ બનાવી મકાનોનું ગેરકાયદે વેચાણ કરી નાખવામાં આવ્યું હતું. સમગ્ર મામલે કરણાભાઇ માલધારી અને તેમના ભાઇ હિરાભાઇ સામે ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆતકર્તા સભાસદો દ્વારા માંગ કરાઇ છે.


Related News

Loading...
Advertisement