સૌરવ ગાંગુલી અને જય શાહના ક્રિકેટ બોર્ડમાં ભવિષ્ય અંગે તા. 9ના સુપ્રિમનો ફેંસલો

03 December 2020 07:03 PM
Sports
  • સૌરવ ગાંગુલી અને જય શાહના ક્રિકેટ બોર્ડમાં ભવિષ્ય અંગે તા. 9ના સુપ્રિમનો ફેંસલો

બંને પદાધિકારીઓ દ્વારા કુલીંગ પીરીયડમાંથી મુક્તિ આપવા માટે અરજી થઇ છે

નવી દિલ્હી, તા.3
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ચેરમેન સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહના ભવિષ્ય અંગે તા. 9 ડીસેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલત નિર્ણય લેશે. અગાઉ સુપ્રિમ નિયુક્ત લોઢા કમિટીની ભલામણ મુજબ આ બંને પદાધિકારીઓને તેમના હોદા માટેની મુદત પૂરી થઇ ગઇ છે અને તેઓએ હવે કુલીંગ પીરીયડનો સામનો કરવાનો રહે છે. પરંતુ સૌરવ અને શાહે તેમને આ પ્રક્રિયામાંથી મુક્તિ આપવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે. વાસ્તવમાં સૌરવ ગાંગુલીની મુદત જુલાઈ અને જય શાહની મુદત મે, 2020માં પૂરી થઇ ગઇ છે. પરંતુ બંનેએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે અને તેના આધારે પોતાના હોદા પર યથાવત રહ્યા છે. હવે સર્વોચ્ચ અદાલત તેમને છ વર્ષના કુલીંગ પીરીયડમાંથી મુક્તિ આપે છે કે કેમ તે અંગે તા. 9 ડીસેમ્બરના ચૂકાદો આપવામાં આવશે. લોઢા કમિટીએ ક્રિકેટ બોર્ડ અને રાજ્યના ક્રિકેટ એસોસિએશનમાં કુલીંગ પીરીયડ સહિતના જે સુધારા અમલમાં મુક્યા હતા તેમાંથી અનેક સુધારાઓ સામે ક્રિકેટ બોર્ડ દ્વારા સુપ્રિમમાં અરજી થઇ છે. સૌરવ અને જય શાહ બંને રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં પોતાના હોદા પર છ વર્ષ સુધી રહી ચૂક્યા હતા અને તે બાદ તેઓ માટે કુલીંગ પીરીયડ ફરજીયાત છે. પરંતુ સુપ્રિમમાં અરજીને પગલે પોતાના હોદા પર યથાવત છે.


Related News

Loading...
Advertisement