મુંબઇ,તા. 3
આગામી વર્ષે રમાનારા આઈપીએલમાં બે નવી ટીમોનો સમાવેશ નિશ્ચીત બની ગયો છે અને ક્રિકેટ બોર્ડની તા. 24 ડીસેમ્બરના રોજ મળનારી બેઠકમાં આઈપીએલમાં નવી ટીમના સમાવેશ અંગે નિર્ણય લેવાશે. તા. 24ના રોજ ક્રિકેટ બોર્ડની એન્યુઅલ જનરલ મીટીંગ (એજીએમ) મળી રહી છે. અને તેમાં આ અંગે મંજૂરી અપાશે. તા. 24મીની આ બેઠકમાં તમામ ક્રિકેટ એસોસિએશનને આમંત્રણ અપાયું છે. સુત્રોના જણાવ્યા મુજબ જે બે નવી ટીમ આવવાની છે તેમાં એક અમદાવાદની ટીમ એટલે ગુજરાતની નવી ટીમ નિશ્ચીત છે જ્યારે બીજું નામ લખનૌ, કાનપુર અથવા પૂનેની ટીમ હોઇ શકે છે. ગુજરાતમાંથી અદાણી ગ્રુપ આઈપીએલમાં પોતાની ટીમ માટે આતુર છે જ્યારે ગોએન્કા ગ્રુપ પુનામાં ટીમ બનાવવા માગે છે. અગાઉ જ્યારે ચેન્નઇ અને રાજસ્થાનની ટીમ બે વર્ષ માટે બ્લેક લીસ્ટેડ થઇ તે સમયે ગુજરાતમાંથી ગુજરાત લાયન્સ અને રાઈઝીંગ પૂના સુપર જાયન્ટની ટીમ આવી હતી. પરંતુ તે બે વર્ષ માટે જ હતી. આગામી વર્ષે આઈપીએલમાં ખેલાડીઓની પણ નવેસરથી લીલામી થનાર છે અને તેથી મોટાપાયે ફેરબદલ પણ થશે. ખાસ કરીને હવે ચેન્નઇ સુપર કીંગનું નેતૃત્વ વર્તમાન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કરશે કે કેમ તે પણ પ્રશ્ન છે. તા. 24ની એજીએમમાં લેવાયેલા નિર્ણય બાદ ચિત્ર સ્પષ્ટ થશે. જો કે ચેન્નઇ સુપર કીંગ, સનરાઈઝ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર બેંગ્લોર મેગા ઓકશનની ફેવરમાં છે જ્યારે દિલ્હી અને મુંબઈની ટીમ પોતાની ટીમ જાળવી રાખવા માટે આતુર છે.