IPLમાં બે નવી ટીમ, ઓલિમ્પિકમાં ક્રિકેટ, BCCIની AGMમાં અનેક મુદ્દે થશે ચર્ચા

03 December 2020 06:58 PM
Sports
  • IPLમાં બે નવી ટીમ, ઓલિમ્પિકમાં ક્રિકેટ, BCCIની AGMમાં અનેક મુદ્દે થશે ચર્ચા

24 ડિસેમ્બરે મળશે બેઠક: ટીમ ઈન્ડિયાના ફ્યુચર ટુર પ્રોગ્રામની પણ કરાશે જાહેરાત

મુંબઈ, તા.3
બોર્ડ ઓફ ક્રિકેટ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ)ની 89મી વાર્ષિક સામાન્ય સભા ઉપર આખી દુનિયાની નજર ટકેલી છે. 24 ડિસેમ્બરે મળનારી આ વાર્ષિક બેઠકમાં ક્રિકેટ ભવિષ્યને લઈને અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવશે.

દરમિયાન આઈપીએલમાં બે નવી ટીમ અને ઓલિમ્પિક રમતમાં ક્રિકેટની એન્ટ્રીને લઈને પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણયને આખરી ઓપ આપવામાં આવશે. ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહે જણાવ્યું છે કે આ બેઠક 24 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે મળશે. બેઠકમાં કુલ 23 પોઈન્ટ ઉપર વાતચીત થશે. સામાન્ય સભામાં ચર્ચા માટે દબાણ કરનારા મામલામાં બીસીસીઆઈ તમામ ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિઓને સામેલ કરવાની મંજૂરી લેશે.

ઉલ્લેખનીય છે કે માહિમ વર્માને પાછલા વર્ષે બીસીસીઆઈના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જો કે તેમણે આ વર્ષથી શરૂઆતમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું જેથી આ બેઠકમાં ઉપાધ્યક્ષના નામ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બીસીસીઆઈના 9 ડિસેમ્બરે પ્રસ્તાવિત સંશોધન ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે જેમાં બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગૂલી અને સેક્રેટરી જય શાહના ભાગ્યનો નિર્ણય પણ લેવાઈ શકે છે.

બોર્ડમાં લોકપાલ અને આચાર અધિકારીની નિમણૂક થવાની છે. આ ઉપરાંત ભારતીય ક્રિકેટર્સ એસોસિએશન માટેએક પ્રતિનિધિની પણ નિયુક્ત થશે. આ પછી 2028માં લોસ એન્જલ્સ ઓલિમ્પિક રમતોત્સવમાં ક્રિકેટને સામેલ કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આવતાં વર્ષનો ટી-20 વર્લ્ડકપ જે ભારતમાં રમાવાનો છે તેના ઉપર પણ અધિકારીઓ ચર્ચા કરશે. આ ઉપરાંત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમી અને ભારતના ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ ઘડવામાં આવશે. આ બેઠકને કોરોના વાયરસ મહામારીને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement