મુંબઈ,તા. 3
ઉત્તરપ્રદેશમાં બોલીવુડ સ્ટાઈલની જ ફિલ્મી નગરી સર્જવાના રાજ્યના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથના મિશનના મુદે મહારાષ્ટ્ર અને યુપી સરકાર વચ્ચે ટક્કર સર્જાઈ છે. હાલમાં જ યોગી આદીત્યનાથે મુંબઈની મુલાકાત લઇને ફિલ્મી જગતના અગ્રણીઓ સાથે ઉતરપ્રદેશમાં એક વિશાળ ફિલ્મ નગરીના નિર્માણની યોજના રજૂ કરી હતી. અને બોલીવુડના અગ્રણીઓને આમંત્રણ આપ્યું હતું. જો કે યોગી આદીત્યનાથે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બોલીવુડને ઉતરપ્રદેશમાં ખસેડવાની કોઇ માગણી કરતા નથી. તેમનો ઇરાદો ઉતરપ્રદેશમાં પણ એક ફિલ્મ સિટીના સર્જનની છે. જો કે શિવસેનાએ યોગીના આ પ્રયાસો સામે વિરોધ કર્યો છે. અને શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં સાધુ-મહાત્મા જેવા આદીત્યનાથના ફિલ્મી દુનિયાની માયાનગરીમાં આગમન તથા વૈભવી ઓબેરોય હોટલમાં તેમની વૈભવી લાઈફ સ્ટાઈલ આ તમામ સામે પ્રશ્ર્ન ઉઠાવીને મુંબઈમાંથી ફિલ્મની સિટી ખસેડવાની કોઇના બાપની તાકાત નથી તેવો હુંકાર કર્યો હતો જેનો ઉતરપ્રદેશના કેબીનેટ મંત્રી એસ.એન. સિંહે વિરોધ કરતા જણાવ્યું કે યોગી આદીત્યનાથના આગમનથી ઉધ્ધવ ઠાકરેની ઉંઘ હરામ થઇ ગઇ છે. મુખ્યમંત્રી માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ યોગ્ય નથી.