બામણબોર-જીવાપરની રૂા.1200 કરોડની જમીન ખાલસા

03 December 2020 04:28 PM
Rajkot Crime
  • બામણબોર-જીવાપરની રૂા.1200 કરોડની જમીન ખાલસા

રાજકોટ સીટી-2 પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલનો ધાક બેસાડતો ચુકાદો : રાજકોટ સહિત રાજયભરમાં બહુચર્ચિત અને તત્કાલીન એ.ડી.એમ., નાયબ કલેકટર, મામલતદાર અને ના.મામલતદાર જેલમાં છે તે એએલસી એકટના કેસમાં જમીન સરકાર ખાતે: વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ખોટુ અર્થઘટન થવાનો ઘટસ્ફોટ; ચોટીલા મામલતદાર દ્વારા નિયમ વિરુદ્ધ 54 એકરના 6 યુનિટ ગેરકાનૂની રીતે ફાળવી દીધા હોવાનું સ્પષ્ટ તારણ થયું

રાજકોટ તા.3
રાજકોટ તાલુકામાં ત્રણ વર્ષ પહેલા ભેળવવામાં આવેલા બામણબોર અને જીવાપરની 380 એકર ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ અંદાજે 1200 કરોડની બજારકિંમતની સરકારી જમીન જે તે સમયે ખાનગી ઠેરવવાના ત્રણ વર્ષ પહેલાના તત્કાલીક ચોટીલા મામલતદાર અને નાયબ કલેકટર તદઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લાના અધિક નિવાસી કલેકટર દ્વારા કરવામાં આવેલા હુકમને ગેરકાનુની ઠેરવી રાજકોટ સીટી ટુ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે આ જમીન ખાલસા કરતો ધાક બેસાડતો ચુકાદો આપતા ચકચાર મચી જવા પામી છે. આ ચકચારી જમીન કૌભાંડમાં રાજકોટ જીલ્લાના ટોચના રાજકારણીઓની સંડોવણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કેસમાં તત્કાલીન ચોટીલા મામલતદારે સુપ્રીમ કોર્ટના ચૂકાદાની ગેરકાનુની અર્થઘટન કર્યુ હોવાની વિગત બહાર આવી છે.


જે તે સમયે સુરેન્દ્રનગર જીલ્લામાં આવતા બામણબોર અને જીવાપરને વર્ષ 2017માં રાજકોટ તાલુકામાં ભેળવવામાં આવ્યા છે. 2017 પહેલા ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપરની સાડા ચારસો એકર ખેત જમીન ટોચમર્યાદા ધારા હેઠળની જમીન વર્ષ 2017માં તત્કાલીન ચોટીલા મામલતદારે કેસ ચલાવીને 380 એકરની ફાળવણી ગેરકાયદેસર રીતે છ જેટલા આસામીને કરી હતી. આ હુકમ ગેરકાનુની હોવા છતાં નાયબ કલેકટર ચોટીલા, અધિક કલેકટર સુરેન્દ્રનગર સહિતનાઓએ માન્ય રાખી રાજય સરકારને અંધારામાં રાખી હતી. આ પ્રકરણ રાજકોટ સહીત રાજયભરમાં ખૂબ ગાજયું હતું. સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરે આ કેસમાં અધિક કલેકટર સહિતના સામે પોલીસ ફરિયાદો દાખલ કરી હતી જે પૈકીના હાલ ચાર જેટલા સરકારી અધિકારીઓ જેલ હવાલે છે.


આ ચકચારી કેસમાં રાજકોટ સીટી ટુ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહનની સૂચનાથી તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર દ્વારા અત્રેની કોર્ટમાં કેસ નં.1960/2018 થી તત્કાલીન ચોટીલા મામલતદાર સામે કરેલ રીવીઝન અપીલ દાખલ કરતા આ કેસ ચરણસિંહ ગોહીલે ચલાવવા પર લીધો હતો જેમાં જીવાપર સર્વે નં.47ની 171.11 એકર, જીવાપર સર્વે નં.84ની 51.14 એકર, બામણબોર સર્વે નં.59ની 190.13 એકર, બામણબોર સર્વે નં.98ની 33.34 એકર જમીનનો કેસ ચલાવવા લીધો હતો. આ કેસમાં તત્કાલીન ચોટીલા મામલતદારે ગેરકાનુની રીતે છ યુનિટ 54 એકરના ગેરકાયદેસર રીતે ફાળવી દીધા હોવાની રજુઆત સરકાર પક્ષે કરવામાં આવી હતી જયારે સામાપક્ષના મૂળ ખેડુત ખાતેદાર રામભાઈ નાનભાઈ ખાચર સહિતના 16 આસામીઓ સામે કેસ ચલાવવામાં આવ્યો હતો. તમામ પક્ષકારોને નોટીસ આપી વખતોવખત છેલ્લા બે વર્ષથી આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.


રાજકોટ સીટી ટુ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે આ કેસમાં સરકારના હીતને મોટુ નુકશાન થયાનું પ્રાથમીક તબકકે નોંધ્યુ હતું અને તત્કાલીન ચોટીલા મામલતદારે મૂળ ખેડુત ખાતેદાર રામભાઈ ખાચરને મળવાપાત્ર 54 એકરનું એક યુનિટ કાયદેસર ઠેરવી અન્ય 380 એકર એ.એલ.સી. એકટ હેઠળની જમીન સરકાર ખાતે દાખલ કરતો ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો કે જેની હાલમાં બજાર કિંમત 1200 કરોડ રૂપિયા જેટલી મનાઈ રહી છે.


રાજકોટ સીટી ટુ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહીલે આ કેસની વધુ વિગતમાં જણાવ્યું હતું કે ચોટીલા મામલતદાર દ્વારા 22/11 1980ના રોજ 396 એકર જમીન ફાજલ કરતો હુકમ કર્યો હતો તેને લીંબડી નાયબ કલેકટરે માન્ય રાખ્યો હતો. લીંબડી નાયબ કલેકટરે 14-7-1986ના રોજ પોતાનું ઠરાવ આપતા તેની સામે નારાજ થઈ આસામીઓએ ગુજરાત રેવન્યુ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી તેમાં પણ અરજદારો હારી ગયા હતા અને આ કેસ રીમાન્ડ થતા આ સંદર્ભનાં પાંચ કેસો 1987માં ફરીથી ચલાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો.. માપણી બાદ આ પૈકીની 16 એકર જમીનમાં ખાણ આવેલી હોય તે જમીન બાદ કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં વર્ષ 2004માં હાઈકોર્ટમાં અપીલ થઈ હતી ત્યારબાદ સુપ્રીમકોર્ટમાં પણ દાવાઓ દાખલ થયા હતા. સુપ્રીમ કોર્ટે આ જમીનને બંજર, રોક, વીડ, પોતખરાબો ગણીને 2010માં રદ કરી તમામ અપીલો ગેરકાનુની ઠેરવી 1986માં ચોટીલા મામલતદારે કરેલા હુકમને માન્ય રાખ્યો હતો.


દરમ્યાન વર્ષ 2017માં ચોટીલા મામલતદારે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ખોટુ અર્થઘટન કરીને 15-7-2017ના રોજ 450 એકર જમીનનો કેસ ચલાવી લઈ ગેરકાનુની રીતે 6 યુનિટ રાણબાબેન નાનભાઈ, વાલબાબેન નાનભાઈ, બોજાબેન નાનભાઈ, આલોકભાઈ ખાચર, રાજેશભાઈ રામભાઈ અને સરોજબેન રામભાઈને ફાળવી દીધા હતા. આ હુકમ ગેરકાનુની ઠેરવી દેવામાં આવ્યા છે. માત્ર રામભાઈ નાનભાઈ ખાચરને 54 એકરનું એક યુનિટ એએલસી એકટ હેઠળ ફાળવવાનું 380 એકર ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળની જમીન સરકારી ઠેરવી 1200 કરોડ રૂપિયાની આ જમીનનો કબ્જો સરકાર ખાતે દાખલ કરતા ભારે ચકચાર જાગી છે.


Related News

Loading...
Advertisement