માસ્ક નહી પહેરવા બદલ કોવિડ સેન્ટર સેવા નહી: સુપ્રિમ

03 December 2020 04:11 PM
India
  • માસ્ક નહી પહેરવા બદલ કોવિડ સેન્ટર સેવા નહી: સુપ્રિમ

ગુજરાત હાઈકોર્ટના આદેશ પર તાત્કાલીક સ્ટે આપતી સર્વોચ્ચ અદાલત : આ પ્રકારની વ્યવસ્થાનો અમલ મુશ્કેલ: માસ્ક નહી પહેરવા કરતા પણ ખતરનાક ‘સજા’: રાજય સરકારની દલીલ માન્ય: જો કે કોરોના ગાઈડલાઈનના અમલમાં ઢીલાશ પર સુપ્રિમની આકરી ટકોર: એસઓપી જાહેર કરી કેન્દ્ર ઉંઘી જાય છે

નવી દિલ્હી: ગુજરાતમાં સતત વધતા જતા કોરોના કેસમાં માસ્ક નહી પહેરનાર કે સોશ્યલ ડિસ્ટન્સ સહિત કોરોના પ્રોટોકોલનું પાલન નહી કરનારને કોવિડ સેન્ટરમાં સામાજીક સેવા માટે મોકલવાના ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. રાજય સરકાર દ્વારા હાઈકોર્ટના આદેશ સામે આજે ખાસ અરજી સર્વોચ્ચ અદાલતમાં કરીને એવી રજુઆત કરી હતી કે માસ્ક નહી પહેરવાથી કોરોના સંક્રમણનો જે ભય છે તેના કરતા અનેકગણો વધુ ભય આ પ્રકારના લોકોને કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવે તો તેમાં સંક્રમણનું જોખમ વધુ હશે. વાસ્તમાં કોરોના ગાઈડલાઈનના પાલન માટે રાજય સરકાર તમામ પગલાઓ લઈ રહી છે અને યુદ્ધના ધોરણે પગલા જરૂરી છે પણ આ પ્રકારના પગલાથી તો (કોવિડ સેન્ટરમાં મોકલવાના) સંક્રમણ મળશે.


સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ અશોક ભૂષણની ખંડપીઠ સમક્ષ રાજય સરકારે તાકીદની પીટીશન પર તાત્કાલીક સુનાવણી કરીને ‘સ્ટે’ આપ્યો હતો. કેન્દ્રના સોલીસીટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત સરકાર વતી રજુઆત કરી હતી.


સુપ્રીમની ખંડપીઠે ગુજરાત સરકારની એ દલીલ માન્ય રાખી હતી કે હાઈકોર્ટના આદેશનું પાલન મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટે જો કે ટકોર કરી હતી કે કોરોના પ્રોટોકોલના અમલમાં પુરેપુરી તાકાત લગાવતી નથી અને તેથી જ હાઈકોર્ટે આ પ્રકારનું આકરું વલણ લીધું છે. સુપ્રીમ કોર્ટે જો કે કોરોના પ્રોટોકોલ સંદર્ભમાં રાજય સરકારની ઉદાસીનતાની આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પણ કોરોના સંબંધમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ, પ્રોસીઝર (એસઓપી) જાહેર કરીને પછી ઉંઘી જાય છે પણ તેના અમલનું શું? સોલીસીટર જનરલે અમોને કહ્યું કે હાલ કોરોના સામે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ એ જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. પણ તેનો અમલ કેમ થતો નથી.


સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે ગેરશિસ્ત એ કદાચ આપણી સંસ્કૃતિ બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં માસ્ક નહી પહેરવા બદલ રૂા.1000નો દંડ થાય છે તે માહિતી પણ મેળવી હતી. ન્યાયમૂર્તિ ભૂષણે કહ્યું કે જેઓ માસ્ક પહેરતા નથી તેઓ મૂળભૂત અધિકારનો પણ ભંગ કરે છે.


શું જે લોકો સામાજીક રીતે એકત્ર થાય છે તેઓ શું પોલીસને જાણ કરે છે! મંજુરી મેળવે છે! આ માટે કોણ જવાબદાર છે! સુપ્રીમ કોર્ટે તમામ રાજય સરકારોને તેઓ કઈ રીતે કોરોના પ્રોટોકોલ અમલમાં મુકવા માંગે છે તે માહિતી આપવા આદેશ આપ્યો હતો.


Related News

Loading...
Advertisement