બે ગુજ્જુ ખેલાડીએ ભારતના સુપડા સાફ ન થવા દીધા: ત્રીજા વન-ડેમાં ટીમ ઈન્ડિયા વિજેતા

03 December 2020 11:21 AM
Sports
  • બે ગુજ્જુ ખેલાડીએ ભારતના સુપડા સાફ ન થવા દીધા: ત્રીજા વન-ડેમાં ટીમ ઈન્ડિયા વિજેતા
  • બે ગુજ્જુ ખેલાડીએ ભારતના સુપડા સાફ ન થવા દીધા: ત્રીજા વન-ડેમાં ટીમ ઈન્ડિયા વિજેતા

હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાએ અણનમ 150 રનની ભાગીદારી નોંધાવી પ્રથમ દાવમાં જ ઓસ્ટ્રેલિયાને અડધું હરાવી દીધું: નટરાજન-શાર્દૂલ-બુમરાહે ધારદાર બોલિંગ ફેંકી કાંગારુઓનું કામ કર્યું તમામ

કેનબરા, તા.3
વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે શ્રેણીમાં ક્લિન સ્વિપ થવાથી પોતાને બચાવી લેતાં અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 13 રને ધૂળ ચાટતું કરી દીધું હતું. ભારતની આબરૂ બચાવવા પાછળ પાછળ બે ગુજ્જુ ખેલાડી હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનું યોગદાન મુખ્ય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે ઓસ્ટ્રેલિયાને 303 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયા 289 રન જ બનાવી શકી હતી. ડેથ ઓવર્સમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને આખો મેચ પલટાવી નાખ્યો હતો. એક સમયે ગ્લેન મેક્સવેલની તોફાની બેટિંગને જોતાં એવું લાગી રહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા જીતી જશે પરંતુ અણીના સમયે બુમરાહે મેક્સવેલને બોલ્ડ કરીને મેચ ભારત તરફી કરી દીધો હતો. આ પછી શાર્દૂલ ઠાકુરે સીન અબોટ અને કુલદીપ યાદવે એશ્ટન એગરને આઉટ કરીને ભારતની જીત નિશ્ર્ચિત બનાવી હતી.


ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફીન્ચે સૌથી વધુ 75 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં પહેલો મેચ રમી રહેલા શાર્દૂલ ઠાકુરે 51 રન આપીને ત્રણ વિકેટ, બુમરાહે 43 રન આપીને બે વિકેટ, ડેબ્યુ મેચ રમી રહેલા ટી.નટરાજને 70 રન આપીને બે વિકેટ અને કુલદીપ યાદવ તેમજ રવીન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ મેળવી હતી. ભારતીય બોલરોએ ત્રીજા વન-ડેમાં ઓસ્ટ્રેલિયાના ટોચના બેટધરોને વધુ સમય સુધી ક્રિઝ પર ટકવાની તક આપી નથી. ખાસ કરીને સ્ટિવ સ્મિથ સતત ત્રીજી સદી ફટકારી શક્યો નહોતો. ઓસ્ટ્રેલિયા વતી લાબુશેન અને સ્મિથ 7-7 રન, હેનરિક્સ 22, ગ્રીન 21, એલેક્સ કેરી 38, મેક્સવેલ 59, એશ્યન એગર 28, સીન અબોટે 4 તેમજ એડમ ઝામ્પાએ 4 રન બનાવ્યા હતા.


આ પહેલાં શાનદાર ફોર્મમાં રમી રહેલા હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા વચ્ચે 150 રનની દમદાર ભાગીદારીથી ખરાબ શરૂઆત છતાં મેજબાન ઓસ્ટ્રેલિયાને 303 રનનો લક્ષ્યાંક આપવામાં ટીમ ઈન્ડિયા સફળ રહી હતી. પંડ્યાએ 76 બોલમાં 92 અને જાડેજાએ 50 બોલમાં 66 રન બનાવી અણનમ રહ્યા હતા. બન્નેએ ભારતીય ઈનિંગને પ્રારંભીક દબાણમાંથી બહાર કાઢી હતી. આ ઉપરાંત કેપ્ટન કોહલીએ પણ સંઘર્ષપૂર્ણ અર્ધસદી ફટકારી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત 250 રન પણ બનાવી શકશે નહીં પરંતુ જાડેજા અને પંડ્યાએ ભારતને 300 રનની પાર પહોંચાડ્યું હતું. બન્નેએ ક્રિઝ પર જામવા માટે સમય લીધો હતો પરંતુ ત્યારપછી ઝડપથી રન બનાવ્યા હતા. તેમણે 46થી 48મી ઓવર વચ્ચે 53 રન બનાવ્યા હતા. ભારતે અંતની પાંચ ઓવરમાં 73 રન ઉમેરતાં 300 પાર પહોંચી ગયું હતું. કોહલી, પંડ્યા અને જાડેજા ઉપરાંત ભારતનો કોઈ બેટસમેન સપાટ પીચ ઉપર રમી શક્યો નહોતો. શિખર ધવને 16, રાહુલે પાંચ અને અય્યરે 19 રન જ બનાવ્યા હતા.


Related News

Loading...
Advertisement