અમદાવાદ:
અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. અહીંના પીઆઈ આર.એલ. ખરાડી સહિત 10 પોલીસ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હજુ પણ 60 પોલીસ જવાનોના રિપોર્ટ આવવાના બાકી છે ત્યારે પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.
હજુ ગઈકાલે જ ચાંદખેડાની ટીએલજીએચ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત અમિત કાપડિયા નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું જેને લઈ મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી સારવારમાં ડોકટરોની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો. જેને પગલે ડીસીપી ઝોન 2 વિજય પટેલ, પીઆઈ ખરાડી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને પરિવારજનોના આક્ષેપ અંગે નોંધ કરી મામલો થાળે પાડ્યો હતો. તેમજ તોડફોડ અંગે રાયોટિંગ અને એપેડેમીક એકટ મુજબ ટોળાં સામે ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ આજે પીઆઈ સહિતનાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફરજ પર રહેલા અને સંપર્કમાં આવેલા પોલીસ અધિકારી, કર્મચારીઓએ પણ આજે પોતાના રિપોર્ટ માટે સેમ્પલ આપ્યા છે.
કોરોના સંક્રમણને લઈ રાજ્યમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ ગંભીર બનતી જાય છે. અહીં દૈનિક 300થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં ગઈકાલ સુધીમાં કુલ 80 પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ વગેરે જવાનોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું જાણવા મળ્યું છે.