ખેડૂત આંદોલનના જૈફ વયના મહિન્દર કૌરનો કંગનાને જવાબ- તને ખેતરમાં નોકરીએ રાખી શકું છું

02 December 2020 05:45 PM
India
  • ખેડૂત આંદોલનના જૈફ વયના મહિન્દર કૌરનો કંગનાને જવાબ- તને ખેતરમાં નોકરીએ રાખી શકું છું

વૃદ્ધાના અપમાન બદલ કંગનાને કાનૂની નોટિસ : કંગનાએ બિલકીસ દાદી સાથે સરખામણી કરતા મહિન્દર કૌર લાલઘુમ

નવી દિલ્હી તા.2
દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સામેલ એક બુઝર્ગ મહિલાની દિલ્હીના શાહીન બાગના આંદોલનકારી બિલ્કીશ દાદી ઓળખાવતા અને તેમને દૈનિક ભાડા પર આંદોલન કરવા જતા હોવાનું કહેતા આ વૃદ્ધાએ કંગનાને જડબાતોડ જવાબ આપ્યો છે અને આ મામલે મોહાલીના જિકરપુરના વકીલ હાકમ સિંહે કંગનાને કાનૂની નોટિસ ફટકારી છે.

પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ દિલ્હીની સીમા પર અડ્ડો જમાવીને સમગ્ર દેશને એક મહહત્ત્વનો મેસેજ આપ્યો છે. કૃષિ કાયદા વિરુદ્ધ રસ્તા પર ઊતરેલા ખેડૂતોમાં દરેક ઉંમરના લોકો સામેલ છે. પછી તે પુરુષ હોય કે મહિલાઓ. પંજાબથી બે વૃદ્ધ મહિલા, જેમની ઉંમર 80 વર્ષ કરતાં વધારે છે, તેઓ પણ આ પ્રદર્શનમાં સામેલ થયાં છે. ભટિંડાના મહિન્દર કૌર અને બરનાલાના જનગીર કૌર ખેડૂત આંદોલનનાં પોસ્ટર ફેસ બની ચૂક્યાં છે.

જૈફ વય છતાં આટલી ઠંડીમાં વિરોધપ્રદર્શનમાં સામેલ થઈને તેઓ દરેક લોકોને પ્રેરણા આપી રહ્યાં છે. કૃષિ કાયદા વિરુદ્ધ સપ્ટેમ્બર મહિનાથી પંજાબમાં આંદોલનની શરૂઆત થઈ ચૂકી હતી. ત્યારથી બંને મહિલાઓ આંદોલનમાં ભાગ લઈ રહી છે. મહિન્દર કૌર પાસે કુલ 13 એકર જમીન છે. મહિન્દર કૌર વિરોધપ્રદર્શનમાં સામેલ થઈને ખેડૂત આંદોલનને આર્થિક મદદ પણ કરી રહી છે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે મહિન્દર કૌરની તસવીર શેર કરીને લખ્યું હતું કે આ દાદી શાહિનબાગ ગયાં હતાં અને હવે પૈસા માટે અહીં પણ આવી ગયાં. કંગનાએ શરતચૂકથી શાહિનબાગનાં દાદી બિલ્કિસની મહિન્દર કૌર સાથે સરખામણી કરી દીધી હતી. કંગનાની આ ટવીટ પર દાદી ખૂબ ગુસ્સે થઈ ગયાં હતાં અને તેમણે કહ્યું હતું કે તેઓ 13 એકર જમીનના માલિક છે અને આજે પણ તેમના ખેતરમાં 1 ડઝનથી વધારે મજૂરો કામ કરે છે.

તેમણે કંગનાને પણ ખેતરમાં મજૂરી કરવાની ઓફર આપતાં કહ્યું હતું કે ખેડૂતોના અપમાન માટે તેને સજા મળવી જ જોઈએ. મહિન્દર કૌરે કહ્યું હતું કે તેઓ ખેડૂત ભાઈઓના હક માટે ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યાં છે અને આગામી સમયમાં પણ કરતાં રહેશે. આ સંજોગોમાં 100 રૂપિયાના ભાડે આંદોલનમાં ભાગ લેવાનો અણછાજતો આક્ષેપ મૂકીને કંગનાએ મારું જ નહિ, તમામ આંદોલનકારીઓનું અપમાન કર્યું છે. તેને સજા મળવી જોઈએ.


Related News

Loading...
Advertisement