નવી દિલ્હી, તા. 1
દિલ્હીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને લઇ ખેડૂતોનું મોટાપાયે આંદોલન ચાલી રહ્યું છે. હજારો ખેડુતોએ જાણે દિલ્હીને ઘેરી લીધુ છે. ત્યારે આજે સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક મળી હતી. ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કોઇ જ પરિણામ આવ્યું ન હતું. જેથી ખેડૂત નેતાઓએ કહ્યું હતું કે આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી તેમની માંગોને સ્વીકારવામાં નહીં આવે.
સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનને લઇ ચર્ચાઓ થઇ રહી છે. આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ મુદ્દો પહોંચી ગયો છે. ત્યારે આજની કેન્દ્ર સરકાર અને ખેડૂતોની મહત્વની બેઠક બાદ કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે બેઠકમાં એકબીજા પ્રત્યે મુકાયેલા કેટલાક મુદ્દાઓને લઇ ચર્ચા થઇ હવે 3 ડિસેમ્બરે ચોથા તબકકાની વાતચીત થશે. અમે ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ પોતાનું આંદોલન પરત લઇ વાતચીત કરે અમે ઇચ્છીએ છીએ કે એક નાનું ગ્રુપ બને, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તમામને સાથે રાખીને વાતચીત થવી જોઇએ. સરકાર વાતચીત માટે તૈયાર છે.
સરકારે એવો પ્રસ્તાવ આપ્યો છે કે ખેડૂતોની સમિતિ રોજ બેસીને ચર્ચા કરવા તૈયાર છે. જેના પર ખેડૂતોએ કહ્યું કે અમને સમિતિ પર કોઇ આપત્તિ નથી પરંતુ જયાં સુધી સમિતિ નિષ્કર્ષ પર નથી પહોંચતી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર ખેડૂત સંગઠનના પ્રતિનિધિ મંડળે સરકારને કહ્યું કે તમે એવો કાયદો લાવ્યા છો જેનાથી અમારી જમીન મોટા કોર્પોરેટ લઇ જશે. તમે કાયદામાં કોર્પોરેેટને ન લો. સમિતિ બનાવવાનો હાલ સમય નથી. જો તમે કહેતા હોય કે અમે ખેડૂતોનું ભલુ કરવા માંગીએ છીએ તો અમે કહી રહ્યા છીએ કે અમારૂ ભલુ ન કરો.