એસ.ટી. બસમાં વધુ પેસેન્જર બેસાડનાર કંડક્ટર સામે પોલીસે ગુન્હો નોંધ્યો

01 December 2020 09:38 PM
Gujarat
  • એસ.ટી. બસમાં વધુ પેસેન્જર બેસાડનાર કંડક્ટર સામે પોલીસે ગુન્હો નોંધ્યો

જાગૃત નાગરીકે રાધનપુર પોલીસને જાણ કરતા કોરોના ગાઈડલાઈનના ભંગના નિયમ હેઠળ કાર્યવાહી થઈ

રાધનપુર, તા. 1
એસ.ટી. બસમાં વધુ પેસેન્જર બેસાડનાર કંડક્ટર સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે. આ ઘટના રાધનપુરની છે. અહીં એક જાગૃત નાગરીકે બસ કંડક્ટર દ્વારા કોરોના ગાઇડલાઇનનું ભંગ થતું હોવાથી પોલીસને જાણ કરી દીધી હતી. તપાસમાં આવેલી પોલીસે કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ બનાસકાંઠા અમરગઢમાં રહેતા દિપક મહેન્દ્રભાઇ વાસુએ પાટણ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી કે થરાદથી નીકળેલી એસ.ટી. બસ નં. જીજે 18 ઝેડ 6173માં કોરોનાને લઇ સરકારે જાહેર કરાયેલી ગાઇડલાઇનનું પાલન થઇ રહ્યું નથી અને નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડવામાં આવ્યા છે. બસમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થઇ રહ્યો છે. માહિતી મળતા પાટણ કંટ્રોલ રૂમે રાધનપુર પોલીસને માહિતી આપી હતી જેથી રાધનપુર પોલીસનો સ્ટાફ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે પહોંચી વોચમાં ગોઠવાઇ ગયો હતો. દરમ્યાન માહિતીવાળી અંબાજી-નારાયણસરોવર રૂટની બસ આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

બસમાં ગણતરી કરતા 51 પેસેન્જર સવાર હતા.
પોલીસ તપાસ કરી રહી હતી ત્યાં જ એસ.ટી. ડેપોના એટીઆઇ આવી પહોંચ્યા હતા. પોલીસે તેમને પેસેન્જર બેઠકની ગાઇડલાઇન અંગે કહેવા જણાવતા તેઓએ કહ્યું કે ક્ષમતાના 75 ટકા પેસેન્જર ગાઇડલાઇન મુજબ બેસાડી શકાય. એટલે કે બસમાં 39 પેસેન્જર ગાઇડલાઇન મુજબ બેસાડવાના હોય છે. પરંતુ આ બસમાં 51 પેસેન્જર બેસાડીને નિયમોનો ભંગ કરાતા રાધનપુર પોલીસે બસના કંડક્ટર જશુભાઇ સરદારભાઇ ખાંટ વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement